અમેરિકામાં સિવિલ લો સ્યુટ્સમાં વર્જીનીયા રોબર્ટ્સ સાથેના સેક્સ એબ્યુઝ કેસમાં તેણીની ચેરિટીમાં દાન આપવાની શરતે પ્રિન્સ એન્ડ્ર્યુએ સમાધાન કરતા નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ચીફ પ્રોસિક્યુટર નઝીર અફઝલે તેમની આકરી ટીકા કરી જણાવ્યું હતું કે ‘’આ દાન નથી, આ બ્લડ મની છે.’’
તેમણે કહ્યું હતું કે ડ્યુક ઓફ યોર્કે આ દાવાઓને કાઢી ફેંકવા માટે ‘પુસ્તકમાં રહેલી દરેક યુક્તિઓ’ અજમાવી હતી. ટ્વિટર પર કરાયેલા હુમલામાં મિસ્ટર અફઝલે ડ્યુક પર ‘પીડિત પર દોષારોપણ’નો આરોપ મૂકી જણાવ્યું હતું કે પ્રિન્સ જે સેક્સ્યુઅલ એબ્યુઝનો ઇન્કાર કરી રહ્યા છે તે જ બાબત માટે તેણીને મોટી રકમ ચૂકવવા તૈયાર થયા છે.’
તેમણે કહ્યું હતું કે ‘’જ્યારે પ્રિન્સને ખબર પડી હતી કે તેમની સામેના આરોપો કોર્ટમાં પ્રસારિત થશે ત્યારે તેમણે રણનીતિ બદલી હતી. દરેક વખતે તેમણે આવું કર્યું હતું ત્યારે પીડિતાને ક્યાંકને ક્યાંક ફરીથી આઘાત લાગ્યો હશે.
એન્ડ્રુએ હંમેશા મિસ રોબર્ટ્સના આરોપોને નકારી કાઢ્યા છે. જ્યારે તેમની ટીમને શ્રી અફઝલની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો. અફઝલને 2005માં OBE બનાવવામાં આવ્યા હતા.