ડ્યુક ઑફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુ જો મહારાણીની હયાતીમાં જ તેમની સામેનો કાનૂની કેસ જીતી જશે તો તેમને તમામ ટાઇટલ પરત કરાય અને તેમનું શાહી સમર્થન પુનઃસ્થાપિત થવાની શક્યતા વધુ છે. પરંતુ જો તેમના ભાઈ, પ્રિન્સ ઑફ વેલ્સ, સિંહાસન પર બિરાજે તો અલગ બાબત હશે.
61 વર્ષના પ્રિન્સ એન્ડ્રુએ ગયા અઠવાડિયે મહારાણીને તમામ પેટ્રોનેજીસ અને લશ્કરી નિમણૂકો પરત કરી હતી. જેથી તેઓ અમેરિકામાં વર્જિનિયા રોબર્ટ્સ ગિફ્રે દ્વારા મૂકાયેલા શોષણના સિવિલ કેસનો સામનો કરી શકે. તે કેસમાં જો તેઓ વિજયી થશે તો જાહેર જીવનમાં પાછા ફરવાની આશા રાખે છે. તેમણે 2001માં ગીફ્રે 17 વર્ષની હતી ત્યારે તેના પર જાતીય હુમલો કર્યો હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા.
ડ્યુક સાથે સંપર્કમાં રહેલા તેમના સહયોગીએ જણાવ્યું હતું કે ‘’ડ્યુક ક્યારેય રોયલ એંગેજમેન્ટ ફરી શરૂ કરી શકશે નહીં તેવી મીડિયામાં આવતી અટકળો ખોટી છે. ડ્યુક સમાધાન કરવાને બદલે કોર્ટમાં લડવા માંગે છે. મને લાગે છે કે તે પોતાનું નામ સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મને અપેક્ષા છે કે આ કેસ દરમિયાન મહારાણી ડ્યુકને આર્થિક રીતે ટેકો આપશે. પ્રિન્સ ઑફ વેલ્સ સિવાય રાજવી પરિવારના તમામ સભ્યોને રાણી દ્વારા મદદ કરવામાં આવે છે.’’
ડ્યુક કે બકિંગહામ પેલેસે એ વાતનો ખુલાસો કર્યો નથી કે તે કેવી રીતે ગિફ્રે સામે તેના બચાવ માટે ભંડોળ પૂરું પાડશે. ગિફ્રેએ આરોપ મૂક્યો છે કે પ્રિન્સ અન્ડ્રુના મિત્ર જેફરી એપસ્ટાઈનના કહેવાથી તેણીને ડ્યુક સાથે સેક્સ કરવા માટે લંડન લઈ જવામાં આવી હતી.
બીજી તરફ નોવા સ્કોટીયા, કેનેડામાં આવેલી પ્રિન્સ એન્ડ્રુ હાઇ સ્કૂલે જાહેરાત કરી છે કે તે તેના 60 વર્ષથી વધુ જુના નામને રિબ્રાન્ડ કરવાના હેતુથી બદલી રહી છે. ડ્યુકની મેઇડ અને પ્રોટેક્શન ઓફિસરે ડ્યુકના ખરાબ વર્તન અંગે તાજેતરમાં જ આપેલી મુલાકાતોમાં પ્રકાશ પાડ્યો હતો.