અમેરિકામાં સેક્સ્યુઅલ હુમલાના કેસનો સામનો કરી રહેલા બ્રિટનનાં રાણી એલિઝાબેથના બીજા પુત્ર, પ્રિન્સ એન્ડ્રુએ ગત ગુરુવારે એક નાટકીય પગલામાં, પોતાનો રાજવી ઠાઠમાઠ છોડવો પડ્યો હતો.
બ્રિટિશ મીડિયાએ એક રાજવી સ્ત્રોતનું નામ જાહેર નહીં કરતાં તેને ટાંકીને જણાવ્યું હતું કે, પ્રિન્સ એન્ડ્રુ હવે ‘હિઝ રોયલ હાઇનેસ’ (HRH) સન્માનનો ઉપયોગ કરી શકશે નહીં. આ સંબોધનનો ઉપયોગ રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યોને સંબોધનમાં થાય છે.
બકિંગહામ પેલેસે આ નિર્ણય જાહેર કર્યો હતો કે અમેરિકાનો કેસ આગળ વધતાં તેમણે પોતાની માનદ્ લશ્કરી પદવીઓ અને સખાવતી ભૂમિકાઓનો ત્યાગ કર્યો છે.
એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘ડ્યુક ઓફ યોર્ક કોઈપણ જાહેર કાર્યો નહીં કરવાનું જાળવી રાખશે અને તેઓ એક ખાનગી નાગરિક તરીકે આ કેસમાં પોતાનો બચાવ કરી રહ્યા છે.’
38 વર્ષની ગ્યુફ્રેએ એન્ડ્રુ પર આરોપ મૂક્યો છે કે રાણીના ‘પ્રિય પુત્ર’ ઓળખાતા પ્રિન્સ એન્ડ્રુએ 2001માં પોતે 17 વર્ષની હતી ત્યારે પોતાના પર સેક્સ્યુઅલ હુમલો કર્યો હતો. તેણે એવો દાવો કર્યો હતો કે, તેને જેફરી એપસ્ટેઇને મોકલી હતી.
એન્ડ્રુએ આ આરોપ ભારપૂર્વક ફગાવ્યો હતો. 2019 ના આપત્તિજનક ઇન્ટર્વ્યૂ પછી પ્રિન્સને જાહેર જીવન છોડવાની ફરજ પડી હતી, આ ઇન્ટર્વ્યૂમાં તેણે ગ્યુફ્રેને મળવાની કોઈ વાત યાદ નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમણે બાળક પ્રત્યે આકર્ષણના કેસમાં દોષિત એપ્સસ્ટેઇન સાથેની તેની મિત્રતાનો બચાવ કર્યો હતો. એપ્સ્ટેઈન 2019માં જેલમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળ્યો હતો.
તે સમયે તેમની સામે જાહેર વિરોધ થતાં ઘણી ચેરીટેબલ સંસ્થાઓ અને સંગઠનો પ્રિન્સ એન્ડ્રુથી દૂર રહેતા હતા ત્યારથી પ્રિન્સ ક્યારેક જ જાહેરમાં દેખાયા છે. એએફપીના ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે, ગત ગુરુવારે, તેમને વેસ્ટ લંડનમાં વિન્ડસર કેસલ નજીકના તેમના ઘરમાંથી લઇ જતા જોવામાં આવ્યા હતા.
રોયલ નેવી, રોયલ એરફોર્સ અને બ્રિટિશ આર્મીના 150થી વધુ પીઢ અધિકારીઓ-સૈનિકોએ રાણીને પત્ર લખીને તેમને સશસ્ત્ર સેનામાંથી એન્ડ્રુના પદો અને પદવીઓ પરત લેવા અનુરોધ કર્યો હતો. 95 વર્ષીય રાણી દેશની આર્મી, નેવી અને એરફોર્સનાં કમાન્ડર ઇન ચીફ છે.