વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે તેમની સામાજિક સેવાઓ દ્વારા માનવતાની સુગંધ ફેલાવી હતી.
જલારામ બાપાનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે થયો હતો. તેમણે ઘણી સામાજિક સેવાઓ શરૂ કરી હતી જે આજે પણ વીરપુર ખાતે તેમની યાદમાં સ્થાપિત મંદિર દ્વારા ચાલુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ (ટ્વીટર) પર ગુજરાતીમાં એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘જન સેવા એજ પ્રભુ સેવા’ સૂત્રને જીવનમંત્ર બનાવી સેવાકીય પ્રવૃત્તિઓ થકી માનવતાની મહેક પ્રસરાવનાર પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે કોટિકોટિ વંદન. તેમના જનસેવા કાર્યો નિરંતર પ્રેરણા આપતા રહ્યા છે.
જલારામ બાપાની જન્મજયંતિ તેમના અનુયાયીઓ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. 1881માં તેમનું અવસાન થયું.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ”નો સંદેશ આપનાર, નિઃસ્વાર્થ સેવાભાવના પર્યાય, લાખો ભક્તોના હૈયે વસેલા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતી અવસરે તેમના ચરણોમાં ભાવસભર વંદન.