બ્રિટનમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા લોકોને પકડવા માટે સરકારે લાલ આંખ કરી છે અને સુરક્ષા એજન્સીઓએ ઠેર ઠેર દરોડા પાડી 20 દેશોના 105ની ધરપકડ કરી હતી. વડા પ્રધાન ઋષિ સુનક યુકે હોમ ઑફિસના ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓ સાથે આ અઠવાડિયાની શરૂઆતમાં નોર્થ લંડનના બ્રેન્ટમાં બૂલેટ પ્રૂફ જેકેટ પહેરી દરોડો પાડવાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
પકડાયેલા તમામ લોકો બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. બ્રિટનમાં આવનારી ચૂંટણી પહેલા સરકારે ઘૂસણખોરો સામેનુ અભિયાન જોર શોરથી શરુ કર્યુ છે અને સરકારની પ્રાથમિકતા ઘૂસણખોરોને દેશની બહાર કાઢવાની છે. સુનકે કહ્યુ હતુ કે, અમારી નીતિ બહુ સ્પષ્ટ છે. બ્રિટનમાં કોણ આવશે અને કોણ રહેશે તેમજ કોણ બહાર જશે તે બ્રિટન પોતે નક્કી કરશે. બ્રિટનના હોમ સેક્રેટરી સુએલા બ્રાવરમેને કહ્યુ હતુ કે, ‘’ઘૂસણખોરોના કારણે બ્રિટિશ લોકોનુ નુકસાન થઈ રહ્યુ છે અને બ્રિટીશ લોકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂસણખોરો ટેક્સ ભરતા નથી અને તેનો બોજો બીજા કરદાતાઓ પર પડી રહ્યો છે. અમે બોર્ડરોની રક્ષા કરવા અને કાયદા લાગુ કરાવવા માટે કટિબધ્ધ છીએ.’’