વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસ માટે આગમન થયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલ, ગૃહ અને મહેસુલ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સહકાર અને માર્ગ મકાન રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન આ બંને દિવસો દરમિયાન અંદાજે રૂ. દસ હજારથી વધુના વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. જેમાં અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં એક નવિન ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કરશે. જ્યારે રવિવારે કચ્છમાં ભૂજ ખાતે વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપની તબાહીને તાદ્રષ્ય કરતા સ્મૃતિ વન મેમોરિયલ, અંજારમાં બાળ સ્મૃતિ વન, નર્મદા કેનાલ, ડેરી પ્રોજેક્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. તેઓ રવિવારે બપોર પછી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મારુતિ સુઝુકી મોટર કોર્પોરેશનના કાર્યક્રમમાં સહભાગી થશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.