વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.
પ્રધાનમંત્રીની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત જનરલ ગુરમિત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાને ઉત્તરાખંડના માણામાં રૂ. 3400 કરોડથી વધુના મૂલ્યની માર્ગ અને રોપવે પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ મંદિરોમાં દર્શન અને પૂજા કર્યા બાદ થયેલા આનંદની અનુભૂતિને વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મારું જીવન ધન્ય થઇ ગયું, મન ખુશીથી ભરાઇ ગયું અને આ ક્ષણો મારા માટે જીવંત બની ગઇ છે”. પ્રધાનમંત્રીએ અગાઉ જ્યારે ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી ત્યારે “આ દાયકો ઉત્તરાખંડનો હશે” તેવી ટીપ્પણી કરી હતી તે શબ્દોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે બાબા કેદાર અને બદ્રી વિશાલના આશીર્વાદથી આ શબ્દો સાચા પડશે આપશે. તેમણે કહ્યું હતું કે, “આજે, હું આ નવી પરિયોજના સાથે એ જ સંકલ્પને પુનરાવર્તિત કરવા તમારી વચ્ચે ઉપસ્થિત છુ.”
માણા ગામ ભારતની સરહદે આવેલા છેલ્લા ગામ તરીકે ખાસ ઓળખાય છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મારા માટે, સરહદ પર આવેલું દરેક ગામ દેશનું પ્રથમ ગામ છે અને સરહદની નજીક રહેતા લોકો દેશની મજબૂત સુરક્ષા કરે છે. પ્રધાનમંત્રીએ આ વિસ્તાર સાથેના તેમના લાંબા જોડાણ અને આ વિસ્તારના મહત્વ સાથે તેમના સતત સહયોગને યાદ કર્યો હતો. તેમણે આ વિસ્તારે આપેલા સમર્થન અને વિશ્વાસની પણ નોંધ લીધી હતી. તેમણે માણાના લોકોના સતત પ્રેમ અને સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો.