અમેરિકન પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જોસેફ આર. બિડેન સાથે મુલાકાત કરી હતી. અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે પ્રથમવાર ભારતની મુલાકાતે પહોંચેલા પ્રેસિડેન્ટે બાઇડેને 9-10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં જી20 સમિટમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને ભારત-અમેરિકા વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ બાઇડેનના વિઝન અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી, જે સહિયારા લોકશાહી મૂલ્યો, વ્યૂહાત્મક સંપાત અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે.

બંને નેતાઓએ જૂન, 2023માં વડાપ્રધાનની અમેરિકાની ઐતિહાસિક સત્તાવાર મુલાકાતનાં ભવિષ્યલક્ષી અને વિસ્તૃત પરિણામોનાં અમલીકરણમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી, જેમાં ભારત-અમેરિકા સામેલ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહકારમાં સ્થાયી ગતિને આવકારી હતી, જેમાં સંરક્ષણ, વેપાર, રોકાણ, શિક્ષણ, આરોગ્ય, સંશોધન, નવીનતા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેનાં સંબંધો સામેલ છે.

પ્રેસિડેન્ટ બાઇડેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન-3 ના ઐતિહાસિક ઉતરાણ પર વડાપ્રધાન અને ભારતના લોકોને હાર્દિક અભિનંદન આપ્યા હતા અને અવકાશમાં બંને દેશો વચ્ચેના ગાઢ સહકારને પ્રકાશિત કર્યો હતો. બંને નેતાઓએ અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કર્યું હતું. તેઓ સંમત થયા હતા કે ભારત-અમેરિકાની ભાગીદારી માત્ર બંને દેશોના લોકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક ભલાઈ માટે પણ ફાયદાકારક છે. વડાપ્રધાને ભારતના જી-20ના પ્રમુખપદની સફળતા સુનિશ્ચિત કરવામાં અમેરિકા તરફથી સતત સાથસહકાર આપવા બદલ પ્રેસિડેન્ટ બાઇડેનનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY