(ANI Photo)

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની મંગળવાર, 4 જુલાઇએ યોજાયેલી વર્ચ્યુઅલ સમિટમાં ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું કે આતંકવાદી પ્રવૃતિઓ સામે લડવામાં કોઈ બેવડા માપદંડો ન હોવા જોઈએ અને એસસીઓએ એવા દેશોની ટીકા કરતા અચકાવું જોઈએ નહીં જેઓ સરહદ પારના આતંકવાદને સમર્થન આપે છે. આતંકવાદ અને આતંકવાદને ફાઇનાન્સિંગનો સામનો કરવા માટે નિર્ણાયક પગલાંની જરૂર છે.

આ સમીટમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન હાજર રહ્યાં હતા. પીએમ મોદીએ કહ્યું કે ભારતે SCOમાં સહકારના પાંચ સ્તંભોની સ્થાપના કરી છે જેમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, પરંપરાગત દવા, યુવા સશક્તિકરણ, ડિજિટલ અને સહિયારા બુદ્ધ વારસોનો સમાવેશ થાય છે. SCOના સુધારા અને આધુનિકીકરણના પ્રસ્તાવને ભારત સમર્થન આપે છે. મને ખુશી છે કે ઈરાન SCO પરિવારમાં નવા સભ્ય તરીકે જોડાયું છે.

વડાપ્રધાને બેલારુસના SCO સભ્યપદ માટેના મેમોરેન્ડમ ઓફ ઓબ્લિગેશન પર હસ્તાક્ષરનું પણ સ્વાગત કર્યું હતું. SCO સાથે ભારતનું જોડાણ 2005માં એક નિરીક્ષક દેશ તરીકે શરૂ થયું હતું. 2017માં ભારત તેનું પૂર્ણ સભ્ય બન્યું હતું. શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)માં ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે. આ સંગઠનને એક મહત્વપૂર્ણ આર્થિક તથા સુરક્ષા સમૂહ માનવામાં આવે છે. ભારતે એસસીઓનું અધ્યક્ષપદ ગત વર્ષે 16 સપ્ટેમ્બરે સમરકંદ શિખર સંમેલન દરમિયાન સંભાળ્યું હતું. અહીંયા નોંધવું રહ્યું કે, ભારત શાંઘાઇ સહયોગ સંગઠનનું પૂર્ણ સભ્ય અસ્તાના શિખર સંમેલનમાં વર્ષ 2017માં બન્યું હતું.

LEAVE A REPLY