(Photo by Stefan Rousseau-WPA Pool/Getty Images)

વડાપ્રધાન ઋષિ સુનક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રવિવારે (21 મે) જાપાનના હિરોશીમા ખાતે બન્ને દેશોના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ – એફટીએ) વિષે, ઈનોવેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ બન્ને દેશો વચ્ચે સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી વિષે ચર્ચા કરી હતી. 

જાપાનમાં યોજાયેલી જી-7ની બેઠકમાં મળેલા બન્ને દેશોના નેતાઓએ દ્વિપક્ષી સંબંધોના વ્યાપક પાસાઓ અંગે પણ ચર્ચા કરી હતી. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે, અમે વેપાર, ઈનોવેશન, વિજ્ઞાન તેમજ અન્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગમાં વૃદ્ધિ વિષે મંત્રણા કરી હતી.” 

ભારતના વિદેશ મંત્રાલયે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, બન્ને દેશોના વડાપ્રધાને ભારત – યુકે વચ્ચેના સૂચિત એફટીએ વિષેની વાટાઘાટોમાં પ્રગતિ સહિત સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી. મોદી અને સુનક એ બાબતે પણ સંમત થયા હતા કે, બન્ને દેશોએ વેપાર અને મૂડીરોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ તેમજ નાગરિક સ્તરે પરસ્પરના વ્યક્તિગત સંબંધોના ક્ષેત્રોમાં પણ સહયોગ વધુ ગહન બનાવવો જરૂરી છે. 

ભારત અને યુકે વચ્ચે એફટીએ બાબતે સાતમા રાઉન્ડની વાટાઘાટો ગત ફેબ્રુઆરી મહિનામાં લંડનમાં યોજાઈ હતી. મોદી અને સુનકે જી-20ના ભારતના હાલના અધ્યક્ષપદ વિષે પણ ચર્ચા કરી હતી અને ભારતીય વડાપ્રધાન કહ્યું હતું કે, નવી દિલ્હીમાં યોજાનારી આગામી જી-20 શિખર માટે યુકેના વડાપ્રધાન ઋષિ સુનકનું સ્વાગત કરવા તેઓ આતુર છે. 

જી-7માં અમેરિકા, કેનેડા, યુકે, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, યુરોપિયન યુનિયન (ઈયુ) અને જાપાન સભ્યો છે, તો ભારત ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યું હતું. રવિવારે યુકેના વડાપ્રધાન ઉપરાંત મોદીએ બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુલા ડીસિલ્વા સાથે તથા અગાઉ શનિવારે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન, ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોં, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુએનના મહામંત્રી ગુટેરેસ તથા ઈન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જોકો વિડોડો તથા તેમના પત્નીને પણ મળ્યા હતા. યુક્રેનના નેતા ઝેલેન્સ્કી સાથે પણ મોદીએ વાતચિત કરી હતી.  

LEAVE A REPLY