(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 ફેબ્રુઆરીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસની મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં એક કાર્યક્રમમાં UAEમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું વડાપ્રધાન 14 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે અને આ ભવ્ય મંદિર પહેલી માર્ચથી લોકો માટે ખુલ્લુ મુકાશે. આ મંદિર સંકુલમાં વિઝિટર સેન્ટર, પ્રાર્થના હોલ, એક્ઝિબિશન્સ, લર્નિંગએરિયા, સ્પોર્ટસ એરિયા, થેમેટિક ગાર્ડર, ફૂડ કોર્ટ, પુસ્તક અને ગિફ્ટ શોપ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયે (MEA) શનિવારે આ મુલાકાતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 2015 પછી વડાપ્રધાનની UAEની આ સાતમી મુલાકાત હશે. વડાપ્રધાન મોદી અને પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વડાપ્રધાન UAEના વાઇસ પ્રેસિડન્ટ, વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં અતિથિ તરીકે ભાગ લેશે અને સમિટમાં સંબોધન કરશે.

ઓગસ્ટ 2015માં મોદીની UAEની સીમાચિહ્નરૂપ મુલાકાત બાદ, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણમ્યા છે. બંને દેશોએ ફેબ્રુઆરી 2022માં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) અને જુલાઈ 2023માં સ્થાનિક ચલણ સેટલમેન્ટ (LCS) સિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા હતા જેથી ક્રોસ બોર્ડર વ્યવહારો માટે ભારતીય રૂપિયા અને AED (સંયુક્ત આરબ અમીરાત દિરહામ)ના ઉપયોગને પ્રોત્સાહન મળે.

 

LEAVE A REPLY