વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે સરપંચોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ લગભગ દોઢ કલાક ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ સર્જી છે. મહામારીએ એ બોધ આપ્યો છે કે દેશને હવે આત્મનિર્ભર બનવું જ પડશે. બે ફુટનું અંતર રાખીને તમે લોકોએ વિશ્વને આ બીમારી સામે લડવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાને ઈ-સ્વરાજ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ આજે લોન્ચ કરી હતી. તેમાં પંચાયત સાથે જોડાયેલી તમામ માહિતીઓ ઉપલબ્ધ હશે.
આજે જેમને સન્માન મળ્યું છે. વેબસાઈટ પર જઈને તેમની માહિતી પ્રાપ્ત કરો. કોરોનાએ આપણી કામ કરવાની રીતને બદલી છે. આ કારણે આ કાર્યક્રમ વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મહામારીએ આપણને નવો સંદેશ પણ આપ્યો છે. હવે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે. તેના વગર આ સંકટનો સામનો કરવો મુશ્કેલ છે. પંચાયત, જિલ્લા અને રાજ્ય આત્મનિર્ભર બને, જેથી પોતાની જરૂરિયાત માટે બહાર ન જવું પડે.
મોદીએ કહ્યું કે મજબૂત પંચાયતો આત્મનિર્ભર બનવાની શરૂઆત છે. સરકારે પંચાયતી રાજની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે સતત કામ કર્યું છે. 1.25 લાખથી વધુ પંચાયતો સુધી બોડબેન્ડ કનેક્શન પહોંચ્યું છે. 3 લાખ કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યાં છે. શહેર અને ગામનું અંતર ઓછું કરવા માટે સરકારે બે પ્રોજેક્ટ શરૂ કર્યા છે- ઈ ગ્રામ સ્વરાજ અને ગામડાના લોકો માટે સ્વામિત્વ યોજના.
ઈ-ગ્રામ સ્વરાજ એપ પંચાયતો માટેનું સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ હશે. પંચાયતના વિકાસ કાર્યો, તેના ફન્ડ અને કામકાજની માહિતી દરેક વ્યક્તિઓને મળશે. તેનાથી ટ્રાન્સપરન્સી વધશે. સ્વામિત્વ યોજના અંતર્ગત ગામડામાં ડ્રોનથી એક-એક સંપતિનું મેપિંગ કરવામાં આવશે. તેનાથી લોકો વચ્ચેના ઝધડાનો અંત આવશે, વિકાસ કાર્યોને ગતિ મળશે અને શહેરની જેમ આ સંપતિઓ પર બેન્કમાંથી લોન મળી શકશે. હાલ ઉતર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત 6 રાજ્યોમાં આ યોજનાને ટ્રાયલ તરીકે શરૂ કરી રહ્યાં છે. પછીથી તેને દરેક ગામમાં લાગુ કરવામાં આવશે.
કોઈ પણ દેશમાં એજ્યુકેશનનો ખ્યાલ સંકટના સમયે આવે છે. કોરોનાના સંકટના સમયે તમે બધાએ શિસ્ત જાળવી છે. તમે દેશને પ્રેરણા આપનારું કામ કર્યું છે. તમે વિશ્વને ખૂબ જ સરળ મંત્ર આપ્યો છે. બે ફુટના અંતરનો મેસેજ આપ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તમે પોતાને બચાવી રહ્યાં છો. આજે વિશ્વમાં ચર્ચા થઈ રહી છે કે કઈ રીતે ભારતે કોરોનાને જવાબ આપ્યો છે.
બારામૂલામાં નારબાઓ બ્લોકના ચેરમેને મોહમ્મદ ઈકબાલે મોદી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા ત્યાં 100 ટકા લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે. આ સિવાય બિહારના જહાનાબાદ જિલ્લાના ધરનાઈના સરપંચ અજય સિંહ યાદવ, ઉતર પ્રદેશના બસ્તી જિલ્લામાં નક્સીદેહ પંચાયતના સરપંચ, પંજાબના પઠાનકોટની હાડા પંચાયતના સરપંચ પલ્લવી ઠાકુર અને અસમના કચર જિલ્લાના છોટા દૂધપાટિલ ગામના સરપંચ રંજીત કુમારે મોદી સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પંચાયતી રાજ દિવસના અભિનંદન પાઠવતા મોદીએ લખ્યું કે જ્યારે કોરોનાની મહામારી સમગ્ર માનવતા સમક્ષ પડકાર બનીને ઉભી છે, એવામાં આપણે તમામ ભારતીયોએ તેનો એક થઈને સામનો કરી રહ્યાં છે. એવામાં પંચાયતી રાજ વ્યવસ્થાના સભ્યો વીર યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યાં છે. મહાત્મા ગાંધીનું માનવું હતું કે ભારતની આત્મા ગામડા છે. આપણી સરકાર આ વિચાર સાથે આગળ વધી રહી છે. તેમાં તેમણે પંચાયતી રાજ ક્ષેત્રોની ઘણી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.