પાંચ દેશોના બનેલા બ્રિક્સ સંગઠના વિસ્તરણનો ભારત વિરોધ કરે છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકામાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપશે નહીં તેવા અહેવાલને ભારતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.
ટેલિફોનિક વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફોસાને જણાવ્યું હતું કે તેઓ BRICS સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગની મુલાકાત લેવા આતુર છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ રામાફોસાએ 22-24 ઓગસ્ટના રોજ દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત બ્રિક્સ સમિટ માટે વડા પ્રધાનને આમંત્રણ આપ્યું હતું અને તેમને તેની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. વડા પ્રધાને આમંત્રણ સ્વીકાર્યું હતું અને જણાવ્યું કે તેઓ તેમની મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
22 થી 24 ઓગસ્ટ દરમિયાન યોજાનારી સમિટમાં બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)ના વિસ્તરણ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, આર્જેન્ટિના, ઈરાન, ઈન્ડોનેશિયા અને કઝાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે જેમણે બિક્સમાં જોડાવા માટે ઉત્સુકતા દર્શાવી છે.