વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દરિયામાં ડુબી ગયેલા ભગવાન કૃષ્ણના પ્રાચીન શહેર દ્વારકાના સ્થળે અરબી સમુદ્રમાં ડુબકી મારીને પાણીની અંદર પૂજા કરી હતી. ભગવાન કૃષ્ણ સાથેના તેના જોડાણ માટે જાણીતું દ્વારકા એક સમયે એક સમૃદ્ધ શહેર હતું, જે સદીઓ પહેલા દરિયાની નીચે ડૂબી ગયું હોવાનું માનવામાં આવે છે.
પંચકૂઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોચ્યાં હતાં અને કમરે મોરપિચ્છ લગાવીને પાણીમાં ઊતર્યા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની મૂળ દ્વારિકા નગરી કે જે સોનાની હતી, તે દરિયામાં છે
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા સ્થળ પર પ્રાર્થના કરવા સ્કુબા ગિયરમાં વડાપ્રધાન મોદીના પાણીમાં ઉતરવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતાં.
મોદીએ પ્રાચીન શહેરને મોર પીંછાની અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાનો અનુભવ વર્ણવતા મોદીએ X પર લખ્યું હતું કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી તે ખૂબ જ દૈવી અનુભવ હતો. મને આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો હોય તેવુ લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની આપણા બધાને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી.