વિશ્વના કેટલાક દેશોમાં કોવિડના કેસોમાં ઉછાળા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આત્મસંતુષ્ટ બની ન જવાની સલાહ આપતા વડાપ્રધાન દેશભરમાં અને ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વેલન્સના પગલાંને મજબૂત કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો.
વડાપ્રધાન મોદીએ આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડ-19ની સ્થિતિ, આરોગ્યની માળખાકીય સુવિધાઓ,લોજિસ્ટિક્સની તૈયારી, રસીકરણ અભિયાનની સ્થિતિ અને નવા વેરિયન્ટના ઉદભવ અને તેની જાહેર આરોગ્ય અસરોની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોદીએ ભીડવાળા જાહેર સ્થળોએ માસ્ક પહેરવા સહિતના કોવિડ યોગ્ય વર્તન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને વિશેષ સંભાળ રાખવાની તાકીદ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને નબળા અને વૃદ્ધ લોકો માટે બુસ્ટર ડોઝને પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે. મીટિંગ દરમિયાન મોદીએ અધિકારીઓને કોરોના ટેસ્ટિંગ અને જીનોમિક સિક્વન્સિંગના પ્રયાસોને તેજ કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યોને રોજિંદા ધોરણે જીનોમ સિક્વન્સિંગ માટે નિયુક્ત INSACOG જિનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ (lGSLs)માં મોટી સંખ્યામાં સેમ્પલ મોકલવાનો અનુરોધ કર્યો હતો. PMOએ જણાવ્યું હતું કે તેનાથી દેશમાં નવા વેરિયન્ટને સમયસર શોધી કાઢવામાં તથા જાહેર આરોગ્યના યોગ્ય પગલાં લેવામાં મદદ મળશે.
વડા પ્રધાન મોદીએ આત્મસંતોષ સામે ચેતવણી આપી હતા અને કડક તકેદારી રાખવાની સલાહ આપી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે કોરોના મહામારી હજુ સમાપ્ત થઈ નથી. અધિકારીઓને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચાલી રહેલા સર્વેલન્સ પગલાંને મજબૂત કરવા આદેશ અપાયો હતો. તેમણે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ઇક્વિપમેન્ટ, પ્રોસેસ અને માનવસંશાધનના સંદર્ભમાં તૈયારી માટે તમામ સ્તરે કોવિડનો સામનો કરવાનું સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે.
વડાપ્રધાને રાજ્યને સલાહ આપી હતી કે તેઓ કોવિડ સ્પેસિફિક ફેસિલિટીનું ઓડિટ કરે તથા ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ, વેન્ટિલેટર્સ અને માનવ સંશાધન સહિત હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પૂર્વ તૈયારી કરી શકાય.
કેટલાંક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળાની વચ્ચે આ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય સચિવ અને નીતિ આયોગના સભ્ય (હેલ્થ)એ કોરોનાની વૈશ્વિક સ્તર અંગે એક સર્વગ્રાહી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
વડા પ્રધાન મોદીને માહિતી આપવામાં આવી હતી કે ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 22 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસ ઘટીને 153 થયા હતા અને વીકલી પોઝિટિવિટીનો દર 0.14 ટકા થયો હતો. જો કે, છેલ્લા છ અઠવાડિયાથી વૈશ્વિક સ્તરે દૈનિક સરેરાશ 5.9 લાખ કેસ નોંધાયા છે. મોદીને માહિતી અપાઈ હતી કે દવાઓ, રસી અને હોસ્પિટલના બેડના સંદર્ભમાં પર્યાપ્ત ઉપલબ્ધતા છે. તેમણે જરૂરી દવાઓની કિંમતો અને ઉપલબ્ધતા પર નિયમિતપણે દેખરેખ રાખવાની પણ સલાહ આપી હતી. ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કરોના વૈશ્વિક સ્તરે પ્રશંસનીય કાર્યને હાઈલાઈટ કરતાં વડા પ્રધાન મોદીએ તેમને આ જ નિઃસ્વાર્થ અને સમર્પણની ભાવના સાથે કામગીરી ચાલુ રાખવાનો અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, વિદેશ પ્રધાન એસ જયશંકર, માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન ભારતી પ્રવિણ પવાર, વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય સચિવ પીકે મિશ્રા, નીતિ આયોગના સીઇઓ નીતિ આયોગના સીઈઓ પરમેશ્વરન અય્યર, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પોલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમઓના એડવાઇઝર અમિત ખરે, ગૃહ સચિવ એ કે ભલ્લા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.