વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ રૂ.4,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના આગેવાનોએ એરપોર્ટ ખાતે મોદીનું સ્વાગત કર્યું હતું. PM મોદી ગાંધીનગર નજીક અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં હાજરી આપી હતી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસોત્સવ તથા 4400 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીની કામગીરીની સમીક્ષા કરી હતી અને કંપનીઓના CEO તથા યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક કરી હતી. મોદીએ બપોરે રાજભવન ખાતે સરકાર અને સંગઠનની સમીક્ષા કરવા માટે મુખ્યપ્રધાન , ભાજપ પ્રમુખ સાથે ભોજન બેઠક કરી હતી.વડાપ્રધાને શહેરી વિકાસ વિભાગના રૂ. ૧૬૫૪ કરોડ, પાણી પુરવઠા વિભાગના રૂ.૭૩૪ કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ. ૩૯ કરોડ, ખાણ-ખનિજ વિભાગના રૂ.૨૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.