વડાપ્રધાન અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી સામે છારોડી ગુરુકુળની પાછળ નિર્માણ પામેલા મોદી શિક્ષણ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. સમાજના બાળકોને શિક્ષણ અને આવાસની સુવિધા અમદાવાદમાં મળી રહે એવા હેતુથી શ્રી મોઢ વણિક મોદી જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજને જમીન ફાળવવા માટે હાલના વડાપ્રધાન અને સમયને મુખ્યપ્રધાન હતા ત્યારે મંજૂરી આપી હતી. શૈક્ષણિક હેતુ માટે રૂ.૫૨ લાખની કિંમતમાં જમીન આપી હતી. મે, ૨૦૧૩માં મુખ્યપ્રઘાન તરીકે નરેન્દ્ર મોદીએ આ શિક્ષણ ભુવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં ૧૨ માળની હોસ્ટેલ બનાવવા તેમણે કરેલા સૂચન મુજબ સમગ્ર ડિઝાઇન બદલાઇ હતી. ૪૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવી હોસ્ટેલ, ભોજનાલય ઉપરાંત કમ્યુનિટીહોલ સહિતની સુવિધા વિકસાવાઇ રહી છે. રૂ.૨૦ કરોડના અંદાજિત ખર્ચ પૈકી ૧૨ કરોડ ખર્ચ થઇ ચૂક્યો છે. હવે વડાપ્રધાન તરીકે મોદી તેના બે ફેઝનું ઉદ્ઘાટન કરશે.
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું આ કોઈ નાની વાત નથી. આ સમાજના સંસ્કાર છે. મારે આ સમાજનું ઋણ સ્વીકાર કરવું છે. એટલા માટે હું આ સમાજને સલામ કરું છું. આ સમાજને આદરપૂર્વક વંદન કરું છું. અમે ક્યારે કોઈને નડ્યા નથી. સમાજનો કોઈપણ વ્યક્તિ મારી પાસે કામ લઈને આવ્યો નથી. મારું કુંટુંબ જોજનો દૂર રહ્યું છે. આપણે મોડા પડ્યા પરંતુ સાચી દિશામાં છીએ. આપણા સમાજમાં પોતાની મેળે આગળ વધનારા લોકો છે. મને ખુશી છે કે બધા ભેગા મળીને ચિંતા કરે છે.
મોદી 11 ઓક્ટોબરના રોજ જામનગરથી રાજકોટના જામકંડોરણા પહોંચશે. અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદ પરત ફરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ રૂ.1300 કરોડના આરોગ્ય સુવિધાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં જાહેર જનતાને સંબોધિત કરશે. ગુજરાતનો પ્રવાસ પૂરો કરીને મોદી મહારાષ્ટ્રના ઉજ્જૈનમાં જશે અને મહાકાલની પૂજા કરશે. મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અમદાવાદના અસારવામાં મંજુશ્રી મિલ્સ કમ્પાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેનાથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર એક નવી સફરનો પ્રારંભ કરશે. 850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું નિર્માણ રૂ. 408 કરોડના ખર્ચે કરાયું છે. મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ હાથ ધરવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ક્લિનિકલ સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટર પ્રી અને પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કેરની જરૂરિયાત ધરાવતા મોટી સંખ્યામાં દર્દીઓને સમાવી શકે છે.