વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યા હતા. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરવા અને જોડાણને વેગ આપવા પર કેન્દ્રિત છે, જ્યાં વિવિધ રેલવે અને માર્ગ પ્રોજેક્ટ ચીજવસ્તુઓની હેરફેર અને સેવાઓની સુવિધા આપશે, જેનાં પરિણામે વેપાર અને વાણિજ્યમાં વધારો થશે તેમજ આ વિસ્તારના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારાને વેગ મળશે.
અહીં એક જનસભાને સંબોધન કરતાં વડાપ્રધાને ભગવાન શ્રીનાથજીના મેવાડની પવિત્ર ભૂમિની મુલાકાત લેવાની તક મળવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દિવસની શરૂઆતમાં નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવાની વાતને યાદ કરી હતી તેમજ આઝાદી કા અમૃત કાળમાં વિકસિત ભારતના લક્ષ્યાંકો પાર પાડવા ભગવાના આશીર્વાદ મળે એવી શુભ ભાવના વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ રાજસ્થાનની જોડાણની સુવિધામાં વધારો કરશે, જ્યાં છ લેન ધરાવતો ઉદેપુરથી શામળાજી વિભાગનો રાષ્ટ્રીય રાજમાર્ગ ઉદેપુર, ડુંગરપુર અને બાંસવાડા માટે લાભદાયક પુરવાર થશે. એનએચ-25નો બિલારા-જોધપુર વિભાગ જોધપુરમાંથી સરહદી વિસ્તારોની સરળ સુલભતા આપશે. આ રાષ્ટ્રીય રાજમાર્ગને પગલે જયપુર-જોધપુર વચ્ચે પ્રવાસ માટે લાગતા સમયમાં ત્રણ કલાકનો ઘટાડો થશે તેમજ કુંભલગઢ અને હલ્દીઘાટી જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પહોંચવામાં વધારે સુવિધા ઊભી થશે. તેમણે કહ્યું હતું કે, “શ્રી નાથદ્વારાથી નવી રેલવે લાઇન મેવાડને મારવાડ સાથે જોડશે અને માર્બલ, ગ્રેનાઇડ અને ખાણ ઉદ્યોગ જેવા ક્ષેત્રોના વિકાસમાં મદદરૂપ થશે.”