ભારતની રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા જતાં હવાના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ધોરણ 5 સુધીની તમામ શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ધોરણ 6-12 સુધીની શાળાઓને ઓનલાઇન ક્લાસિસનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
રવિવારે દિલ્હીની હવા સતત છઠ્ઠા દિવસે પ્રદૂષિત રહી હતી. સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 460 રહ્યો હતો. સમગ્ર દિલ્હીમાં ધુમ્મસવાળાનું વાતાવરણ સર્જાયું હતું. તેનાથી ડોક્ટરોએ બાળકો અને વૃદ્ધોમાં શ્વસન અને આંખની બિમારીઓની ચેતવણી આપી હતી.
ભારતની રાજધાની દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ પગલાં લીધા હોવા છતાં સ્થિતિ ખરાબ હોવાનો ઉલ્લેખ કરીને અગાઉ સુપ્રીમ કોર્ટે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકારોને તેમને દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી આપીને એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હીમાં ઘરની બહાર પગ મૂકવાનું પણ મુશ્કેલ બન્યું છે. સર્વોચ્ચ અદાલતે CAQMને પ્રદૂષણની સમસ્યા ચાલુ થઈ તે સંબંધિત સમયગાળો, હાલની સ્થિતિ, એર ક્વાલિટી ઇન્ડેક્સ અને ખેતરોમાં આગની ઘટના વગેરે અંગે માહિતી આપવાનો આદેશ કર્યો હતો.
બીજી તરફ બોમ્બે હાઈકોર્ટે પણે મુંબઈમાં હવાના પ્રદૂષણની કથળતી જતી સ્થિતિની જાતે નોંધ લીધી હતી અને સત્તાવાળા પાસેથી જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટે કથળતા જતા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે આ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારો તથા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB) અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે આ મામલાની સુનાવણી છ નવેમ્બરે નિર્ધારિત કરી હતી.