ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર શ્રીનિવાસ રાવ પ્રેસ્ટોન કુલકર્ણીનો ટેક્સાસના ટ્વેન્ટી સેકન્ડ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન ઉમેદવાર 52 વર્ષીય ટ્રોય નેહલ્સ સામે પરાજય થયો હતો. કુલકર્ણી ભૂતપૂર્વ ડિપ્લોમેટ છે.
મતગણતરીના છેલ્લાં અહેવાલ મુજબ 3 નવેમ્બરની ચૂંટણીમાં નેહ્લ્સને 204,537 મત સાથે 52 ટકા મત મળ્યા હતા, જ્યારે કુલકર્ણીને 175,7238 મત સાથે 44 ટકા મત મળ્યા હતા. જો વિજયી બન્યાં હોત તો લુઇસિયાનામાં જન્મેલા 41 વર્ષીય કુલકર્ણી ટેક્સાસમાં કોંગ્રેસની બેઠક માટે પ્રથમ ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિ બન્યાં હોત.
ઇરાક, રશિયા, ઇઝરાયલ અને તાઇવાનમાં અગાઉ ડિપ્લોમેટ તરીકે કામ કરી ચુકેલા કુલકર્ણીનો માર્ચમાં ટેક્સાસની ટ્વેન્ટી સેકન્ડ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટેની ડેમોક્રેટિક પ્રાયમરીમાં સરળતાથી વિજય થયો હતો. 2018માં પણ કુલકર્ણીનો સમાન ડિસ્ટ્રિક્ટમાં સાંકડા માર્જિનથી પરાજય થયેલો હતો. તેઓ ભારતીય નવલકથાકાર અને શિક્ષણવિદ વેંકટેશ કુલર્ણી અને વ્હાઇટ મધરના પુત્ર છે.
