ભારતમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે તેવી ચૂંટણી પંચે ગુરુવારે જાહેરાત કરી હતી. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદારોની કુલ સંખ્યા 4809 છે, જેમાંથી 776 સાંસદ છે અને 4033 ધારાસભ્યો છે.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરતાં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે કુલ 4,809 મતદારો વોટ આપશે. કોઈપણ રાજકીય પક્ષ પોતાના સભ્યોને વ્હીપ જાહેર કરી શકશે નહીં. સાંસદના એક મતનું મૂલ્ય 700 હશે. જે લોકો અટકાયતમાં હશે તે લોકો વોટ કરી શકશે. આ ઉપરાંત જે લોકો જેલમાં હશે તેઓને પેરોલ માટે અરજી કરવી પડશે, અને જો તેમને પેરોલ મળી જશે તો તેઓ વોટ આપી શકશે.
ચૂંટણી પંચની જાહેરાત મુજબ 15 જૂનના રોજ નોટિફિકેશન જાહેર થશે અને 29 જૂન સુધીમાં ઉમેદવારીપત્ર ભરી શકાશે. નોમિનેશનની ચકાસણી 30 જૂને થશે અને 18 જુલાઈના રોજ મતદાન થશે તથા 21 જુલાઈના રોજ મતગણતરી થશે.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સાંસદ નવી દિલ્હીમાં સંસદ ભવનમાં વોટિંગ કરશે, જ્યારે ધારાસભ્યો પોતાની વિધાનસભામાં મતદાન કરશે. કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં સાંસદ અને ધારાસભ્ય ક્યાંય પણ વોટ આપી શકશે, પણ આ માટે તેઓને 10 દિવસ પહેલાં ચૂંટણી પંચને જાણ કરવી પડશે. દેશમાં તમામ ધારાસભ્યોના મતોનું મૂલ્ય 5,43,231 છે. જ્યારે લોકસભા સાંસદોનું કુલ મૂલ્ય 5,43,200 છે.