ભારતના 72માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રજોગ પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારત શાંતિ માટે પ્રતિબંધ છે, પરંતુ તેના લશ્કરી દળો રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરતી કોઇ પણ હિલચાલનો સામનો કરવા માટે સજ્જ છે. આપણા રાષ્ટ્રીય હિતોનું કોઇપણ ભોગે રક્ષણ કરવામાં આવશે.
દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણાં રાષ્ટ્રીય તહેવારોને દરેક દેશવાસી રાષ્ટ્રભાવ સાથે મનાવે છે. પ્રજાસત્તાક દિવસનું રાષ્ટ્રીય પર્વ આપણે પુરા ઉત્સાહ સાથે મનાવીએ છીએ. આપણા રાષ્ટ્રીય ધ્વજ તથા બંધારણ પ્રત્યે સમ્માન અને આસ્થા વ્યક્ત કરીએ છીએ.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અંતરિક્ષથી લઈને ખેતરો સુધી, શિક્ષણ સંસ્થાનોથી લઈને હોસ્પિટલો સુધી, વૈજ્ઞાનિક સમુદાયે આપણા જીવન અને કામકાજને સરળ બનાવ્યું છે. દેશમાં ચાલી રહેલા ખેડુત આંદોલન વચ્ચે રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિપરિત કુદરતી પરિસ્થિતિઓ, અનેક પડકાર અને કોરોના મહામારી છતાં આપણાં ખેડુત ભાઈઓ-બહેનોને કૃષિ ઉત્પાદનમાં કોઈ કમી આવવા દીધી નથી. આ કૃતજ્ઞ દેશ આપણાં અન્નદાતા ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સિયાચિન અને ગલવાન ઘાટીમાં માઈનસ 50 થી 60 ડિગ્રી તાપમાનમાં, જેસલમેરમાં 50 ડિગ્રી સેન્ટિગ્રેડથી વધારેનું તાપમાનમાં, ધરતી, આકાશ અને દરિયા કિનારે આપણી સેના ભારતની સુરક્ષાનું દાયિત્વ નિભાવે છે. આપણાં સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન પર આપણે સૌ દેશવાસીઓને ગર્વ છે.
રાષ્ટ્રપતિએ કોરોનાકાળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દિવસ-રાત પરિશ્રમ કરતા કોરોના વાઈરસને ડી-કોડ કરી તથા ખુબ ઓછા સમયમાં જ વેક્સિન વિકસિત કરી. આપણાં વૈજ્ઞાનિકો સમગ્ર માનવતાના કલ્યાણ માટે એક નવો ઈતિહાસ રચ્યો છે.