રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને મુખ્યસચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આવતી કાલે ભાવનગર જિલ્લા અને શહેરની મુલાકાત લઈને ભાવનગર મહાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે 63 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1088 આવાસોનો લોકાર્પણ કરવાના છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦૮૮ આવાસોનું લોકાર્પણ કરાશે. તેમની સાથે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને મેયર કીર્તિબાળા દાણીધારીયા ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા રીબીન કાપી તખ્તીનું અનાવરણ કરાશે. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકામાં તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલ આવાસોની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. જ્યારે પાંચ પ્રતિકાત્મક લાભાર્થીઓને આવાસોની ચાવી સુપ્રત કરવામાં આવશે.