હાલમાં અમેરિકા સહિત વિશ્વમાં મંદીના માહોલ વચ્ચે કંપનીઓ દ્વારા કર્મચારીઓની સંખ્યામાં કાપ મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવા સંજોગોમાં એચ1-બી વીસા ઉપર અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓએ જોબ ગુમાવી હોય તો અમેરિકામાં જ રહેવા માટે તેમને બીજી જોબ શોધવા અને કાનૂની પ્રક્રિયા પુરી કરવા માટે નિયમમાં 60 દિવસની ગ્રેસની મુદત મળે છે, તે વધારીને 180 દિવસની કરવા અમેરિકાના પ્રેસિડેન્ટની સલાહકાર પેટા સમિતિએ ભલામણ કરી છે.
આવા કર્મચારીઓને નવી જોબ કે પછી અન્ય વિકલ્પો શોધી કાઢવા પુરતી તક મળે તે માટે ઈમિગ્રેશન પેટા સમિતિએ હોમલેન્ડ સીક્યુરિટી ડીપાર્ટમેન્ટ તથા યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) ને ભલામણ કરી છે કે, એચ1-બી વીસા ઉપર અમેરિકા જોબ માટે આવેલા અને જોબ ગુમાવી દીધી હોય તેવા કર્મચારીઓને માટે અમેરિકામાં જ તેઓ રહી શકે તે માટે નવી જોબ શોધવા માટેનો ગ્રેસ પીરિયડ હાલના નિયમો મુજબ 60 દિવસ છે તે વધારીને 180 દિવસ કરવો જોઈએ, એમ એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઈયન્સ તથા પેસિફિક આઈલેન્ડર્સ વિષેના અમેરિકાના પ્રેસિડેન્ટના એડવાઈઝરી કમિશનના સભ્ય અજય જૈન ભુટોરિયાએ ગયા સપ્તાહે જણાવ્યું હતું.
ભુટોરિયાએ તેમની રજૂઆતમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, જોબ ગુમાવી હોય તેવા એચ1-બી કર્મચારીઓ માટે ઘણા કપરા, મોટા પડકારો હોય છે. હાલના 60 દિવસના ગ્રેસ પીરિયડના કારણે તેમના માટે અનેક અવરોધો આડે આવે છે, જેમાં નવી જોબ શોધવા, પોતાનું એચ1-બી વીસા સ્ટેટસ ટ્રાન્સફર કરવા તેમજ યુએસસીઆઈએસ દ્વારા પ્રોસેસિંગમાં થતા વિલંબનો સમાવેશ થાય છે.
આના કારણે, મોટી સંખ્યામાં એચ1-બી વીસા ધરાવતા પણ જોબ ગુમાવી ચૂકેલા કર્મચારીઓને માથે અનિચ્છાએ અમેરિકા છોડી જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી અને તેના પગલે અમેરિકાને પણ કુશળ કર્મચારીઓ ગુમાવવાની નોબત આવે છે. પોતાની રજૂઆતમાં ભુટોરિયાએ ગ્રેસ પિરીયડ વધારવા માટે જોરદાર હિમાયત કરતાં કહ્યું હતું કે, આવા સ્કિલ્ડ કર્મચારીઓ અમેરિકામાં જ રહે તે અમેરિકાની આર્થિક વૃદ્ધિ માટે પણ આવશ્યક છે. આ કમિશનના અન્ય સભ્યોએ પણ આવા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને સમર્થન – પીઠબળ આપવા તેમજ તેમને અમેરિકામાં જ રહેવા દેવાનું ખૂબજ મહત્ત્વનું, જરૂરી હોવાનું સમજી તેઓએ પણ ભુટોરિયાના સૂચનને સમર્થન આપ્યું હતું.