અમેરિકામાં રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક હરીફ ઉમેદવાર જો બિડેન વચ્ચેની 29 સપ્ટેમ્બરની પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટેક્સ, સુપ્રીમ કોર્ટ, કોરોના વાઇરસ અને અર્થતંત્રના મુદ્દા છવાઈ જવાની ધારણા છે. આવી બીજી ડિબેટ 15 ઓક્ટોબર અને ત્રીજી ડિબેટ 22 ઓક્ટોબરે યોજાશે. આ ઉપરાંત સાત ઓક્ટોબર વાઇસ પ્રેસિડન્ટ ડિબેટ યોજવામાં આવશે.
કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટના જણાવ્યા અનુસાર દરેક ડિબેટ રાત્રે નવ વાગ્યે (ઇસ્ટર્ન ટાઇમ) ચાલુ થશે અને દોઢ કલાક સુધી ચાલશે. અગાઉથી વર્ષોની સરખામણીમાં આ વખતે ડિબેટ થોડી અલગ લાગશે. દરેક ડિબેટમાં માત્ર એક મોડરેટર હશે અને લોકોની હાજરી હશે કે નહીં તે અંગે સત્તાવાધાર માહિતી નથી.
પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ
પ્રેસિડન્ટ ટ્રમ્પ અને બિડેન વચ્ચે ક્લેવલેન્ડમાં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં આ ડિબેટ યોજાશે. આ ડિબેટમાં ફોક્સ ન્યૂઝ સંડેના એન્કર ક્રિસ વોલેસ મોડરેટર છે. ડિબેટના ટોપિકની પસંદગી મોડરેટર કરશે. પ્રથમ ડિબેટમાં ટ્રમ્પ અને બિડેનના રેકોર્ડ, સુપ્રીમ કોર્ટ, કોરોના વાઇરસ, અર્થતંત્ર, વંશિય ભેદભાવ અને ચૂંટણીની વિશ્વસનીયતા અંગે ચર્ચા થશે. દરેક ટોપિક માટે 15 મિનિટ ડિબેટ થશે.
વાઇસ પ્રેસિડેન્શિયલ ડિબેટ
વાઇસ પ્રેસિડેન્શિયલ ડિબેટ સાત ઓક્ટોબરે સોલ્ટ લેક સિટીમાં યુનિવર્સિટી ઓફ ઉતાહના કિંગ્સબરી હોલમાં યોજાશે. યુએસએ ટુડેના વોશિંગ્ટન બ્યૂરો ચીફ સુસાન પેજ આ ડિબેટમાં મોડરેટર હશે. મોડરેટર અને કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ આ ડિબેટના એક સપ્તાહ પહેલા ટોપિકની જાહેરાત કરશે.
સેકન્ડ પ્રેસિડેન્શિયલ ડિબેટ
બીજી ડિબેટ 15 ઓક્ટોબરે મિયામી ખાતેના એડ્રિની આર્સ્ટ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ ખાતે યોજાશે. C-SPANના પોલિટિક એડિટર સ્ટીવ સ્કુલી આ ડિબેટમાં મોડરેટર હશે. મોડરેટર અને કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ આ ડિબેટના એક સપ્તાહ પહેલા ટોપિકની જાહેરાત કરશે.
થર્ડ પ્રેસિડેન્શિયલ ડિબેટ
ત્રીજા પ્રેસિડેન્શિયલ 22 ઓક્ટોબરે ડિબેટ ટેનેસીના નેશવિલે ખાતેની બેલમોન્ટ યુનિવર્સિટીમાં યોજાશે. NBC ન્યૂઝના વ્હાઇટ હાઉસ કોરોસ્પોડન્ટ ક્રિસ્ટન વેલ્કર આ ડિબેટમાં મોડરેટર તરીકે કાર્ય કરશે. પ્રેસિડેન્શિયલ ડિબેટમાં એકમાત્ર મોડરેટર તરીકે કામ કરનારા તેઓ બીજા અશ્વેત મહિલા છે. મોડરેટર અને કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ આ ડિબેટના એક સપ્તાહ પહેલા ટોપિકની જાહેરાત કરશે, પરંતુ તેમાં કુલ છ ટોપિક્સ હશે અને દરેક માટે 15 મિનિટનો સમય હશે.