અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના અંતમાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ગડબડની આશંકા વ્યક્ત કરીને ચૂંટણી પાછી ઠેલવા સૂચન કર્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે વર્ષના અંતમાં ચૂંટણી મેલ ઈન સિસ્ટમથી થવાની છે. એવામાં અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખોટી અને બનાવટી ચૂંટણી યોજાશે.
તેમણે વોટિંગ દરમિયાન છેતરપિંડીની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વૈશ્વિક મેલ ઈન વોટિંગ 2020ની ચૂંટણી અમેરિકન ઈતિહાસમાં સૌથી ખોટી અને છેતરપિંડીવાળી સાબિત થશે. આ ચૂંટણી અમેરિકા માટે શરમજનક પુરવાર થશે.
કોરોના મહામારીના સમયમાં લોકો સલામત રીતે મતદાન કરવા સક્ષમ ન થાય ત્યાં સુધી ચૂંટણી યોજવામાં વિલંબ કરવો જોઈએ. અમેરિકામાં ફેડરલ કાયદા મુજબ નવેમ્બરના પહેલા સોમવાર પછીના મંગળવારે ફડેરલ ચૂંટણીઓ યોજાય છે અને આ તારીખોમાં ફેરફાર માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર પડે છે.
વધુમાં બંધારણમાં ચૂંટણીઓ પાછી ઠેલવા અંગે કોઈ જોગવાઈ નથી. અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ડેમોક્રેટ્સની બહુમતી છે, તે જોતાં કોંગ્રેસમાં ચૂંટણીઓ પાછી ઠેલાવાને મંજૂરી મળે તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે.
ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણીના આયોજનમાં આગળ વધવામાં તેમને કોઈ સમસ્યા નથી. અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે, પરંતુ સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ ફેલાયેલો છે. અમેરિકામાં વાઈરસથી મરનારાઓની સંખ્યા દોઢ લાખથી ઉપર થઈ ગઈ છે જ્યારે કોરોનાના કેસ પણ 45.83 લાખથી વધુ નોંધાયા છે.
વધુમાં તાજેતરના સમયમાં પ્રમુખપદની ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી બીડેન ટ્રમ્પથી આગળ હોવાનું મનાય છે. કોરોના સામેની લડાઈમાં અમેરિકાની કથળતી સિૃથતિને પગલે અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી હોવાના પણ અહેવાલ છે. આ બધા સંજોગોને પગલે ટ્રમ્પ ચૂંટણી પાછી ઠેલવા માગતા હોવાનું સૂત્રોનું માનવું છે. બીજીબાજુ વિપક્ષી નેતાઓનું કહેવું છે કે અમેરિકન ચૂંટણીઓમાં છેતરપિંડી થવાની સંભાવનાના કોઈ પુરાવા મળ્યા નથી.