રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સરકારને નવા ભારતના નિર્માણ માટેનો જનાદેશ મળ્યો છે. સરકારે ટ્રિપલ તલાક બિલ તેમજ ગ્રાહક સંરક્ષણ બિલ સહિત અન્ય અનેક બિલ પસાર કર્યા. સરકારના પ્રયાસોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયામાં ભારતની શાખમાં વધારો થયો છે. તેમજ ભારતના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો.
તેમણે કહ્યું કે કલમ 370 દૂર થવાથી કાશ્મીરના લોકો વિકાસની ધારા સાથે જોડાયા. કાશ્મીરના લોકોને પણ દેશના અન્ય નાગરિકોની જેમ અધિકારો મળ્યા. દેશમાં હાલ નાગિરકતા કાયદો તેમજ એનઆરસી મુદ્દે વિરોધ પ્રદર્શન અંતર્ગત ઠેર-ઠેર હિંસાના બનાવો બની રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વિરોધના નામે થતી હિંસા દેશને નબળો બનાવે છે.
ભારતની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, આજે દુનિયાની સૌથી મોટી ત્રીજી સ્ટાર્ટ અપ ઈકોનોમી ભારતમાં છે. સ્ટાર્ટ અપ અભિયાનમાં અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 27 હજારથી વધારે સ્ટાર્ટ અપ્સને માન્યતા આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરકારના ખેડૂતો માટે કરવામાં આવેલા ઓનલાઈન રાષ્ટ્રીય બજાર એટલે કે e-NAMનો પ્રભાવ દેખાયો હોવાની વાત કરી હતી. જેમાં દેશના 1 કરોડ 65 લાખ ખેડૂતો અને સવા લાખથી વધારે વ્યાપારીઓ આ યોજના સાથે જોડાયા હોવાનો હકારાત્મક મુદ્દો તેમણે મુક્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, હાલ દેશની 400થી વધારે મંડીઓને જોડવાનું કામ ચાલી રહ્યું છે.
નાગરિકતા કાયદા તથા એનઆરસીનો દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રમાં પોતાના સંબોધન દરમ્યાન નાગરિકતા કાયદાનો ઉલ્લેખ કર્યો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારતે હંમેશા સર્વધર્મ સમભાવ પર વિશ્વાસ કર્યો છે. વર્ષ 1947માં ભારતના ભાગલા બાદ સર્જાયેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે જે લોકો પાકિસ્તાનમાં રહી શકતા નથી તેઓ ભારત આવી શકે છે.