ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મૂ ક્વીન એલિઝાબેથ-IIની અંતિમ વિધીમાં હાજરી આપવા શનિવારની સાંજે બ્રિટન પહોંચી ગયા હતા. રવિવારે તેમણે ભારત સરકાર વતી શોકસંદેશ લખ્યો હતો. મુર્મુ સાથે લંડનના લેન્કેસ્ટર હાઉસ ખાતે ભારતના કાર્યકારી હાઇ કમિશ્નર સુજિત ઘોષ પણ જોડાયા હતા. સોમવારની અંતિમ યાત્રા પહેલાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલાએ પ્રેસિડન્ટને બકિંગહામ પેલેસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. ‘સત્તાવાર રાજકીય ઇવેન્ટ’ તરીકે દર્શાવાયેલા આ પ્રસંગે જુદાજુદા દેશો, સરકાર અને વિદેશી સત્તાવાર મહેમાનો ઉપસ્થિત રહેશે.
વેસ્ટમિન્સ્ટર હોલમાં, તેમણે ભારતના લોકો વતી રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી મુર્મુએ બકિંગહામ પેલેસમાં બ્રિટનના નવા રાજા કિંગ ચાર્લ્સ III સાથે મુલાકાત કરી હતી.
ક્વીન એલિઝાબેથનું ૮ સપ્ટેમ્બરે સ્કોટલેન્ડમાં અવસાન થયું હતું. પ્રેસિડન્ટ મુર્મૂએ પણ રવિવારે વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. આ એ જ સ્થાન છે જ્યાં ક્વીનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. સોમવારે અહીંથી જ તેમની અંતિમ યાત્રા શરૂ થશે.
સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧૧ વાગ્યે શરૂ થનારી અંતિમ યાત્રા માટે એબી ખાતે વિશ્વના ૫૦૦ નેતાઓ સાથે જોડાશે. અહીં લગભગ ૨,૦૦૦ જેટલી અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહેવાનો અંદાજ છે.
સોમવારની અંતિમ વિદાયમાં કોમનવેલ્થના ઘણા પ્રતિનિધી હાજરી આપશે. અંતિમ વિધીની શરૂઆત પહેલાં થોડા કલાકો અગાઉ જાહેર જનતા માટે ક્વીનના અંતિમ દર્શન બંધ કરાશે. ઉલ્લેખનીય છે કે, લોકો છેલ્લા કેટલાક દિવસોથી ક્વીનને શ્રદ્ધાંજલિ આપવા મોટી કતારોમાં ઊભા છે અને વેઇટિંગનો સમય લગભગ ૨૪ કલાક જેટલો છે.રાણીના તાબૂતને ગન કેરેજમાં વેસ્ટમિન્સ્ટર એબી લઈ જવામાં આવશે. ગન કેરેજ એટલે લાંબી ગન સાથે જોડેલી વિશાળ પૈડાંવાળી ગાડી.આ બંદૂકની ગાડીનો ઉપયોગ એડવર્ડ VII, જ્યોર્જ V, જ્યોર્જ VI અને સર વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર માટે કરવામાં આવ્યો હતો. તેને 142 રોયલ નેવી ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવશે. અહીં રાજ્યના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ પૂર્ણ થશે.