પ્રેસિડન્ટનો કાર્યભાર સંભાળ્યા પછી સોમવારે પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. તેમણે સાબરમતી આશ્રમ પરિસરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગાંધી આશ્રમની પ્રેસિડન્ટની આ મુલાકાત સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડન્ટ મુર્મુએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. તેમણે આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી.
તેમણે મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્રને સુતરનો હાર પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો.
પ્રેસિડન્ટે વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે “સાબરમતીના સંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર તપોભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થયો છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામના કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને ગહન શાંતિનો અનુભવ થાય છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવન-વૃતના અણમોલ વારસાને પ્રસંશનીય રીતે સાચવીને રખાયો છે. આ માટે હું સાબરમતી આશ્રમની સારસંભાળ રાખનારા તમામ લોકો પ્રત્યે મારી પ્રશંસા અભિવ્યક્ત કરું છું.”
પ્રેસિડન્ટ બન્યા બાદ સોમવારે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. આપ સૌની કુશળતાની પ્રાર્થના કરું છું.’
દ્રૌપદી મુર્મૂના હસ્તે રૂ.૧૨૮૯.૮૩ કરોડના વિકાસકામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. તેમાં જનરલ હોસ્પિટલ કેમ્પસ ગાંધીનગર ખાતે રૂ.૩૭૩.૦૦ કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ક્રીટીકલ કેર સેન્ટર અને રેનબસેરા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, રૂ.૫૩૦.૦૦ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જી. એમ. ઈ. આર. એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અપગ્રેડેશન, રૂ.૪૯.૦૦ કરોડના ખર્ચે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શામણા શૈયલ લીફ્ટ ઈરીગેશન પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.