રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12થી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરમાં રાજ્યની વિધાનસભામાં સંબોધન કરશે. 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, એમ રાષ્ટ્રપતિ ભવને સોમવારે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં સંબોધન કરવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યની 15મી ગુજરાત વિધાનસભા બુધવારથી શરૂ થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે. રાષ્ટ્રપતિ 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. આ આ ઉપરાંત તેઓ આયુષ્યમાન ભવ એપ્લિકેશન પણ લોન્ચ કરશે.
ઈ-વિધાન એપ્લિકેશન લોન્ચ થયા બાદ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આ માટે ગૃહની તમામ બેઠકો પર ટેબલેટ પણ લગાવવામાં આવ્યાં છે. હવે ગૃહમાં ધારાસભ્યો પેન-કાગળથી નહીં, ટેબલેટથી સવાલ-જવાબ પૂછીને તેમના વિસ્તારના મુદ્દા ઉઠાવશે. તમામ સ્થળોની સંપૂર્ણ વિગતો ટેબલેટમાં રેકોર્ડ કરવામાં આવશે.
આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે. જેમાં લાભાર્થી પરિવાર દીઠ વાર્ષિક રૂ.5 લાખનું આરોગ્ય કવરેજ આપવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવશે અને 60,000 લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવશે.