ભારતનાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ તાજેતરમાં આસામની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે પોતાના પ્રવાસના અંતિમ દિને એરફોર્સના સુખોઈ ફાઈટર જેટમાં સફર કરી હતી. તેમનું સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટ રાજ્યના તેજપુર એરબેઝથી ટેક ઓફ થયું હતું. આ અગાઉ 2009માં તત્કાલિન પ્રેસિડેન્ટ પ્રતિભા પાટીલે પણ આવા ફાઈટર વિમાનમાં સફર માણી ચૂક્યા છે.
પ્રેસિડેન્ટ મુર્મુએ ગુવાહાટીમાં ગજરાજ ફેસ્ટિવલ-2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવતા વચ્ચે પવિત્ર સંબંધ છે. જે કાર્ય કુદરત અને પશુ-પક્ષીઓ માટે કલ્યાણકારી છે તે માનવતાના હિતમાં પણ છે અને પૃથ્વી માતાના હિતમાં પણ છે. અગાઉ તેણે હાથીઓને ખવડાવ્યું હતું અને કાંજીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારીનો આનંદ માણ્યો હતો. તેમણે હાથીઓ સાથે માયાળુ વર્તન કરવા, તેમની હિલચાલને સરળ બનાવવા માટે તેમના કોરિડોરને અવરોધો મુક્ત રાખવા અનુરોધ કર્યો હતો.