ભારતમાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી આજે (18 જુલાઈએ) યોજાઈ રહી છે. ભાજપની આગેવાની હેઠળના સત્તાધારી NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિરોધ પક્ષોના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે આ ચૂંટણીમાં સીધી ટક્કર છે.
કુલ 776 સાંસદો અને 4,033 ધારાસભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નવા રાષ્ટ્રપતિ તરીકે ભાજપના વડપણ હેઠળના સત્તાધારી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. તેમને 60 ટકાથી વધુ મત મળવાનો અંદાજ છે. મુર્મુને એનડીએ ઉપરાંત, બીજેડી, YSRCP, BSP, AIADMK, TDP, JD (S), શિરોમણી અકાલી દળ, શિવસેના અને JMMએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જો દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ આઝાદ ભારતમાં જન્મનારા પહેલા મહિલા રાષ્ટ્રપતિ બની રહેશે.
મતદાન પરું થયા બાદ જો જરુર હશે તો 21 જુલાઈએ મત ગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથગ્રહણ કરશે. પ્રવર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ટર્મ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોના ગણિત પર નજર કરીએ તો, એનડીએના ઉમેદવાર મુર્મુને કુલ 6.67 લાખ મત મળી શકે છે. આ ચૂંટણીમાં કુલ મતોની સંખ્યા 10.86,431 જેટલી થાય છે. રાષ્ટ્રીય રાજકારણમાં અત્યારસુધી મુર્મુનું નામ ખાસ જાણીતું નહોતું. તેઓ ઓડિશામાં માર્ચ 2000થી મે 2004 દરમિયાન પ્રધાન રહી ચૂક્યા છે. ઓડિશાની સંથાલ જનજાતિના દ્રૌપદી મુર્મુ વર્ષ 2000 અને 2004માં ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીત્યાં હતાં. મે 2015માં તેમની વરણી ઝારખંડના પહેલા મહિલા ગવર્નર તરીકે કરાઈ હતી, જ્યાં તેમણે છ વર્ષથી પણ વધુ સમય સુધી સેવા આપી હતી.
64 વર્ષના દ્રૌપદી મુર્મુ સૌથી ઓછી વયના રાષ્ટ્રપતિ હશે. આ ઉપરાંત તેઓ દેશના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજનારા પહેલા મહિલા આદિવાસી હશે. મુર્મુની સામે વિરોધ પક્ષો તરફથી ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન તેમજ નિવૃત્ત IAS અધિકારી યશવંત સિન્હા ચૂંટણી લડી રહ્યા છે.