ભારતમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાએ સોમવાર, 27 જુને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. યશવંત સિંહાએ ઉમેદવારીપત્રોના 4 સેટ રાજ્યસભાના મહાસચિવ પી સી મોદીને સોંપ્યા હતા. પી. સી. મોદી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી અધિકારી છે. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના એનડીએ ગઠબંધને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવારા તરીકે આદિવાસી નેતા દ્વોપક્ષી મુર્મુને ઊભા રાખ્યા છે. આમ હવે દ્વૌપદી મુર્મુ અને યશવંત સિંહા વચ્ચે દેશના સર્વોચ્ચ પદ માટે ચૂંટણી યોજાશે.
આ પ્રસંગે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, દ્રમુક નેતા એ રાજા તથા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા સહિતના વિરોધપત્રોના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.