અમેરિકામાં ગન હિંસાને અંકુશમાં લેવા માટે પ્રેસિડન્ટ જો બાઇડને ગન કંટ્રોલ આદેશ પર મંગળવારે હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. આ કાયદામાં ગન વેચાણ માટે સંખ્યાબંધ બેકગ્રાઉન્ડ ચેકિંગ, હથિયારોના વધુ સારા અને સુરક્ષિત સંગ્રહ તથા કાયદા અમલીકરણ એજન્સીઓને વધુ સત્તાની જોગવાઈ છે. ગયા ઉનાળામાં સંસદમાં ગન કંટ્રોલ કાયદો ઘડવામાં આવ્યો હતો. દાયકાઓ પછી ગન અંગેના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરતો આ કાયદો છે.
વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પ્રમુખ કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કના ભાષણમાં બંદૂકની હિંસા રોકવા માટેના તેમના નવા પગલાં જાહેર કરશે. લાઇસન્સ ધારક ગન ડીલર્સ માટે વધુ આકરા નિયમો બનાવવામાં આવશે, જેથી તેઓ વધુ સારી રીતે બેકગ્રાઉન્ડ ચેકિંગ કરે. ક્લિયરિંગ હાઉસો માટે ડેટાનું વધુ સારી રિપોર્ટિંગ વધુ ફરજિયાત બનશે. તેનાથી ફેડરલ, સ્ટેટ અને સ્થાનિક તપાસ એજન્સીઓ બંદૂરના શેલના ઉપયોગ પર દેખરેખ રાખી શકશે.
જાન્યુઆરીમાં એક બંદૂકધારી લોસ એન્જલસ નજીકના ચાઇનીઝ ન્યુ યર ઉજવણી દરમિયાન ડાન્સ હોલમાં ઘૂસી ગયો હતો અને 20 લોકોને ગોળી મારી હતી, જેમાં 11ના મોત થયા હતા. ટેક્સાસના ઉવાલ્ડેમાં પ્રાથમિક શાળામાં 19 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોની પણ ગોળી મારીને હાથ કરાઈ હતી. બાઇડન પોતાના ભાષણમાં વારંવાર બંદૂક કલ્ચર પર લગામ મૂકવાના પ્રયાસો પર ભાર મૂકે છે. 2024માં પ્રેસિડન્ટની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બાઇડન વધુ મજબૂત પગલાં લે તેવી શક્યતા છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે બંદૂકની હિંસાથી ઘણા લોકોના જીવ ગયા છે. આ ઓર્ડરની સમીક્ષા કરનારા વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ માને છે કે આપણે વધુ પગલાં લેવાની જરૂર છે. તેઓ સંસદને પણ વધુ પગલાં લેવાનો અનુરોધ કરશે. બાઇડન હિંસાથી પીડિત સમુદાયોને ટેકો આપવા માટે તેમની કેબિનેટને એક યોજના ઘડવા માટેનો આદેશ આપશે.