અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો દેશમાં રહી શકે અને જોબ કરી શકે તે માટેના યોગ્યતાના માપદંડ વિષે માર્ગદર્શિકા જારી કરીને બાઈડેન સરકારે તેમની મુશ્કેલીઓ થોડી હળવી કરી છે. ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાઓમાં ભારતીય સમુદાયના સભ્યોની સંખ્યા નોંધપાત્ર રીતે મોટી છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે બાઈડેન સરકારનું આ પગલું મહત્ત્વનું બની રહે છે. 

હજ્જારો ભારતીય પ્રોફેશનલ્સને તેઓ ગ્રીન કાર્ડ કે અમેરિકામાં કાયમી નિવાસી તરીકેના દરજ્જા માટે યોગ્યતા ધરાવતા હોવા છતાં વેઈટિંગ લિસ્ટના કારણે તે દરજ્જો મેળવવા લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. રાહ જોવાના એ સમયગાળામાં તેઓ ખૂબજ પરેશાનીનો પણ ભોગ બની શકે છે. એ ગાળા દરમિયાન અમેરિકામાં રહેવા અને જોબ કરવા માટેની મંજુરીનો ડોક્યુમેન્ટ – એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (ઈએડી) માટેની પ્રારંભિક તેમજ રીન્યુઅલ માટેની અરજીની યોગ્યતાના માપદંડ હળવા કરવા વિષે યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. 

આ માર્ગદર્શિકા મુજબ ઈએડી મળે નહીં તો પોતાના બાળકોને અમેરિકાની સ્કૂલોમાંથી ઉઠાડી લેવા પડે, પોતાના ઘરના મોર્ટગેજની ચૂકવણીની અક્ષમતા ઉભી થવાનું જોખમ રહે વગેરે જેવા અતિ વિષમ સંજોગોનો સામનો કરવો પડે તેવી હાલત વિષેના પુરાવા રજૂ કરી શકે તેવા અરજદારોના કેસ (USCIS) દ્વારા ધ્યાનમાં લેવાશે.

ઈન્ડિયન અમેરિકન્સ સમુદાયના એક અગ્રણી અને ઈમિગ્રન્ટ્સના અધિકારોના હિમાયતી, અજય ભુટોરીઆએ (USCIS) ના આ પગલાને પડકારજનક સ્થિતિમાં મુકાયેલા લોકો માટે ઘણી મહત્ત્વની રાહત ગણાવી હતી. 

ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન સ્ટડીઝ (FIIDS) દ્વારા લેઓફ્સના કારણે જોબ ગુમાવી હોય તેવા ઉપરના કર્મચારીઓને રક્ષણની હિમાયત કરવામાં આવી રહી છે, તેણે પણ મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મદદરૂપ સાબિત થઈ પડે તેવા આ પગલા બદલ (USCIS) ની પ્રશંસા કરી હતી. 

LEAVE A REPLY