ભારતના શાસક નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનો ઈતિહાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ૧૫મા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવ્યો છે. દ્રૌપદી મુર્મુએ ૬૪ ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે. રિટર્નિંગ ઓફિસર પી.સી. મોદીએ સાંસદો અને ધારાસભ્યોના કુલ ૬,૭૬,૮૦૩ મતો સાથે મુર્મુને વિજેતા જાહેર કર્યા હતા. યશવંત સિંહાને ૩,૮૦,૧૭૭ મત મળ્યા હતા. મુર્મુ હવે ૨૫મી જુલાઈએ રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદના ઉત્તરાધિકારી તરીકે ૧૫મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મુર્મુએ ત્રીજા તબક્કામાં કુલ મતોમાંથી ૫૩ ટકા મત મેળવ્યા ત્યારે જ તેમનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. તે સમયે ૧૦ રાજ્યોમાં મત ગણતરી ચાલુ હતી.
દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાવાની સાથે મુર્મુએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. સ્વતંત્રતા પછી જન્મેલા ૬૪ વર્ષીય દ્રૌપદી મુર્મુ દેશના ટોચના પદે પહોંચનાર સૌપ્રથમ નેતા છે. વધુમાં મુર્મુ દેશના સૌથી યુવાન રાષ્ટ્રપ્રમુખ છે. આંધ્ર પ્રદેશમાંથી બધા જ ધારાસભ્યોએ મુર્મુને જ્યારે કેરળના બધા જ ધારાસભ્યોએ યશવંત સિંહાને મત આપ્યા હતા. વિદાય લઈ રહેલા રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા હતા.
આ સિવાય વિરોધ પક્ષના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર યશવંત સિંહા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના બધા જ નેતાઓએ મુર્મુને વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમના વિજય સાથે આખા દેશમાં ઊજવણી કરાઈ હતી.
દ્રૌપદી મુર્મુના વિજયની જાહેરાત થતાં વડાપ્રધાન મોદી ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમને અભિનંદન આપવા તેમના ઘરે ગયા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ભારતે ઈતિહાસ રચી દીધો છે. ૧૩૦ કરોડ ભારતીય વસતી આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહી છે તેવા સમયે પૂર્વીય ભારતના એક અંતરિયાળ વિસ્તારમાં એક આદિવાસી સમાજમાં જન્મેલી ભારતની પુત્રી રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાઈ આવ્યાં છે. આ સિદ્ધિ બદલ શ્રીમતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન.
યશવંત સિંહાએ મુર્મુને અભિનંદન આપતા કહ્યું હતું કે, હું રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ૨૦૨૨માં દ્રૌપદી મુર્મુને વિજય માટે અભિનંદન પાઠવું છું. દેશને આશા છે કે ગણતંત્રના ૧૫મા રાષ્ટ્રપ્રમુખ તરીકે તેઓ કોઈપણ ભય અથવા પક્ષપાત વિના બંધારણના સંરક્ષક તરીકે કામ કરશે. રાજનાથ સિંહે કહ્યું દ્રૌપદી મુર્મુ ગામ, ગરીબ, વંચિતોના લોકકલ્યાણ માટે સક્રિય રહ્યાં છે. આ ભારતીય લોકતંત્રની તાકત છે કે તેઓ આજે તેમનાં વચ્ચેથી નીકળીને સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યા છે.
દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરના મહુલડીહામાં લોકોએ ઢોલ, નગારાની ધૂન પર પારંપરિક વેશભૂષામાં નાચ-ગાન કરી તેમના વિજયની ઊજવણી કરી હતી. દેશના ૧૫મા રાષ્ટ્રપ્રમુખ માટે ૧૮મી જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં મતદાર યાદીમાં સામેલ ૪,૭૯૬ સાંસદો અને ધારાસભ્યોમાંથી ૯૯ ટકાએ મતદાન કર્યું હતું. અનેક રાજ્યોમાં વિપક્ષના ધારાસભ્યોએ પક્ષની લાઈનથી અલગ મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે પાંચ સાંસદોના મત ગેરલાયક ઠર્યા હતા. આ ચૂંટણીમાં આઠ સાંસદો ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પહેલાં જ અનેક પ્રાદેશિક પક્ષોના સમર્થનના પગલે દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત મનાતો હતો.