Preparing to launch remote voting facility in India
(ANI Photo)

ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવાના એક મોટા પગલામાં ચૂંટણી પંચે ગુરુવાર (29 ડિસેમ્બરે) જણાવ્યું હતું કે તેને પરપ્રાંતિય મતદારો માટે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિકસાવ્યું છે અને 16 જાન્યુઆરીએ રાજકીય પક્ષોને તેના ડેમોન્સ્ટ્રેશન માટે આમંત્રણ આપ્યું છે. જો પક્ષકારો સાથે પરામર્શ પછી રિમોટ વોટિંગનો અમલ કરવામાં આવશે તો પરપ્રાંતિર મજૂર મતદારો તેમના ગૃહ જિલ્લામાં ગયા વગર પણ વોટિંગ કરી શકશે.

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરવીએમને હાલના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર આધારિત “મજબૂત, ક્ષતિમુક્ત અને કાર્યક્ષમ સ્ટેન્ડ-અલોન સિસ્ટમ” તરીકે વિકસાવવામાં આવશે. તે ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવશે નહીં. વિભિન્ન પક્ષકારોના પ્રતિસાદ અને પ્રોટોટાઇપના ડેમોન્સ્ટ્રેશન આધારે EC રિમોટ વોટિંગના અમલીકરણની પ્રક્રિયાને યોગ્ય રીતે આગળ ધપાવશે.

ચૂંટણીપંચે રિમોટ વોટિંગ પર કન્સેપ્ટ નોટ પણ રજૂ કરી છે અને તેના અમલીકરણમાં કાનૂની, વહીવટી અને તકનીકી પડકારો અંગે રાજકીય પક્ષોના મંતવ્યો માંગ્યા છે. વિવિધ મતદાન બેઠકોને આવરી લેતું આ ઇવીએમ જાહેર ક્ષેત્રની એક કંપનીએ વિકસિત કર્યું છે. તેમાં એક રિમોટ મતદાન મથકથી બીજી 72 બેઠકો માટે રિમોટ વોટિંગ કરી શકાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે જણાવ્યું હતું કે યુવાનો અને શહેરી મતદાતા સામાન્ય રીતે ઓછું વોટિંગ કરતાં હોય છે તેથી રિમોટ વોટિંગ લોકશાહીમાં મતદાતાની ભાગીદારીને મજબૂત કરવાની પરિવર્તનકારી પહેલ  બનશે. જો આ પહેલાનો અમલ થશે તો તે પરપ્રાંતિય લોકો માટે સામાજિક પરિવર્તન લાવી શકે છે.ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઘણી વખત પ્રરપ્રાંતિય શ્રમિકો વિવિધ કારણોસર તેમના કામના સ્થળે મતદાન યાદીમાં નોંધણી કરાવતા નથી.

ECએ કહ્યું કે તેને તમામ આઠ રાષ્ટ્રીય અને 57 પ્રાદેશિક પક્ષોને 16 જાન્યુઆરીના રોજ  RVMની કામગીરી દર્શાવવા માટે આમંત્રિત કર્યા છે. આ ડેમોન્સ્ટ્રેશન વખતે કમિશનની ટેકનિકલ એક્સપર્ટ કમિટીના સભ્યો પણ હાજર રહેશે. ચૂંટણીપંચે  કાયદામાં જરૂરી ફેરફારો, વહીવટી પ્રક્રિયાઓમાં ફેરફાર અને સ્થળાંતર કરનારાઓ માટે મતદાનની પદ્ધતિ સહિત વિવિધ  મુદ્દાઓ અંગે 31 જાન્યુઆરી સુધીમાં રાજકીય પક્ષોના લેખિત મંતવ્યો પણ માંગ્યા છે. રિમોટ વોટિંગનો અમલ કરવા માટે લોકપ્રતિનિધિ ધારો, 1950 અને 1951, ચૂંટણી નિયમો 1961 અને મતદાતા નોંધણી નિયમો 1960માં સુધારો કરવાની જરૂર પડશે.

 

LEAVE A REPLY