સમગ્ર યુકે અને દેશવિદેશના કરોડો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા બ્રિટનના મહારાજા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કોન્સોર્ટ કેમિલાના લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાઇ રહેલા ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેકની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. 100 મિલિયન પાઉન્ડના ખર્ચે યોજાનારા આ રાજ્યાભિષેકમાં ધાર્મિક સેવા અને પેજન્ટ્રીનો સમન્વય સાધતા આ શાનદાર સમારોહમાં દુનિયાભરના દેશોના નેતાઓ તથા વિવિધ સેલિબ્રીટી સહિત 2,000 અગ્રણીઓની હાજરીમાં 74 વર્ષના મહારાજાને તાજ પહેરાવવામાં આવશે. સતત 1066થી ચાલી રહેલી શાહી પરંપરા મુજબ તેઓ શાસન કરનાર 40મા રાજા બનશે. મહારાણી એલિઝાબેથ IIના અવસાન પછી બ્રિટિશ સિંહાસન પર સ્થાન મેળવનારા રાજા વૈભવી અને પારંપરિક ઔપચારિકતા સાથે 1,000 વર્ષથી વધુ જૂના રીવાજોનુ પાલન કરીને શપથ લેશે.
આ પ્રસંગ નિમિત્તે સોમવારે, 8 મેના રોજ વધારાનો બેંક હોલીડે જાહેર કરાયો છે. તો આ પ્રસંગ માણવા માટે શાહી ચાહકોની મોટી ભીડ સેન્ટ્રલ લંડન ખાતે તા. 5ના રોજથી જ ઉમટી પડે તેવી શક્યતાઓ છે. કિંગ ચાર્લ્સનાે રાજ્યાભિષેક ભવ્ય રીતે ઉજવવા તા. 6 અને 8 મે વચ્ચે યુકેમાં લોંગ વિકેન્ડમાં મોટા પાયે કોરોનેશન બિગ લંચ, હજારો સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યુ છે. મોટાભાગના રીટેઇલ સુપરમાર્કેટ અને ઓનલાઇન વેબસાઇટ્સ પર રાજ્યાભિષેકની ઉજવણીઓ માટે રાજાના માસ્કથી લઇને યુનિયન જેક, ખાણી પીણી અન સરસામાન પૂરજોશમાં વેચાઇ રહ્યા છે.
સમગ્ર વિકેન્ડ દરમિયાન સેન્ટ્રલ લંડનમાં રોડ બંધ રહે તેવી અપેક્ષા છે. બસોના રૂટ અને સમયમાં કેટલાક ફેરફારો કરાયા છે પણ ટ્યુબ અને રેલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. જાહેર જનતાને આ પ્રસંગને માણવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ ઉપયોગ કરવા ભલામણ કરાઇ છે. લંડનમાં આવવા માંગતા આસપાસના શહેરોના લોકોને તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરવા અને સતત મુસાફરીના અપડેટ્સ તપાસવા વિનંતી કરાઇ છે. સમગ્ર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પબ, ક્લબ અને બાર શુક્રવાર અને શનિવારે વધારાના બે કલાક માટે ખુલ્લા રહેશે.