ભારતની આઝાદીના આશરે પાંચ દાયકા પહેલા તાળા વેચીને બિઝનેસ સફર ચાલુ કરનારા અને હાલમાં રૂ.1.76 લાખ કરોડનું વેલ્યુએશન ધરાવતા ગોદરેજ ગ્રૂપનું પરિવારમાં વિભાજનની કવાયત ચાલુ થઈ હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. દેશના જૂના અગ્રણી બિઝનેસ ગ્રુપમાં 126 વર્ષ જૂના આ ગ્રૂપનો સમાવેશ થાય છે.
ગોદરેજ ગ્રૂપમાં હાલમાં પાંચ લિસ્ટેડ કંપનીઓ છે. તેમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટી અને લાઇફસાયન્સનો સમાવેશ થાય છે. હાલમાં આ ગ્રૂપમાં બે જૂથ છે. ગ્રૂપના વડા આદિ ગોદરેજ અને તેમના ભાઇ નાદિર ગોદરેજ પણ બિઝનેસમાં જોડાયેલા છે. આ બંને ભાઇઓ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેટ્સનું નિયંત્રણ કરે છે. ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપનીનો અંકુશ આદિ ગોદરેજના પિતરાઇ ભાઇ જમશેદ ગોદરેજ અને સ્મિતા કૃષ્ણા ગોદરેજ પાસે છે.
આ ગ્રુપના વિભાજનને લઇ વાતચીત ચાલી રહી છે. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ આ અંગેના કરાર એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયા છે અને તે અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આ જૂથે લગભગ દરેક ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવી રહ્યું છે. આ જૂથે નાણાકીય વર્ષ 2023 માટે 42,172 કરોડ રૂપિયાની જંગી આવક હાંસલ કરી છે. નફાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 4000 કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે.