એક સમયે બોલીવૂડમાં ખૂબ જ ચર્ચામાં રહેલી યુવા અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાને યુકેની બર્મિંગહામ સિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રીટિએ મનોરંજન અને બિઝનેસના ક્ષેત્રે આપેલા યોગદાનને ધ્યાનમાં લઇને તેને આ સન્માન આપવામાં આવ્યું હતું. બર્મિંગહામમાં દિવાળી નિમિત્તે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પ્રીટિને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રીટિએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની માનદ્ ડોક્ટરેટની ડિગ્રી ખરેખર બહુ મોટું સન્માન છે અને તે મળવા બદલ હું તેને મારું સૌભાગ્ય માનું છું. હું બર્મિંગહામમાં દિવાળીનો તહેવાર ઉજવવા માટે આતુર હતી.
બર્મિંગહામના મેયરે આ અવસરે જણાવ્યું હતું કે, પ્રીટિ ઝિન્ટાનું સન્માન કરતાં અમને બહુ ખુશી થઇ રહી છે. અમે બોલીવૂડમાં તેની મહેનત અને તેના વ્યવસાય પ્રત્યેના યોગદાન બદલ અમે તેનું સમ્માન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રીટિ લગ્ન પછી અમેરિકાના લોસ એન્જલસમાં સ્થાયી થઈ ગઈ હતી. જોકે, તેણે તાજેતરમાં મુંબઈના પાલી હિલમાં રૂ. 17 કરોડનો ફલેટ ખરીદીને તે ફરીથી બોલીવૂડમાં સક્રિય થવા ઈચ્છે છે તેવા સંકેત તેણે આપ્યા હતા. તેણે સાઉથ ઇન્ડિયાની એક ફિલ્મ પણ સ્વીકારી હોવાની ચર્ચા છે.

LEAVE A REPLY