બાળકને જન્મ આપ્યાના બે સપ્તાહ બાદ કોવિડ-19ના કારણે નોર્ધર્ન આયર્લેન્ડના લંડનડેરીની સામન્થા વિલિસ નામની યુવતીનું મૃત્યુ થયા બાદ સગર્ભા સ્ત્રીઓને રસી લેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. તેની અંતિમ વિધિ દરમિયાન જ તેની દિકરી ઇવી ગ્રેસને ડેરીના સેન્ટ કોલમ્બ ચર્ચમાં બાપ્ટીસ્ડ કરાઇ હતી.
ઇન્ફેક્શન કંટ્રોલ ડોક્ટર, માઇક્રોબાયોલોજિસ્ટ અને બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના નોર્ધર્ન આયર્લેન્ડની કન્સલ્ટન્ટ્સ કમિટીના ડેપ્યુટી ચેરમેન ડૉ. ડેવિડ ફેરેને બીબીસીને કહ્યું હતું કે ‘’હોસ્પિટલો હવે કોવિડ સાથે સગર્ભા સ્ત્રીઓ સારવાર માટે સતત આવી રહી છે. હવે બહુ થયું, સગર્ભા સ્ત્રીઓ તેમની રસી લે તે જરૂરી છે. મોટાભાગના લોકોને તકલીફ નથી થતી પરંતુ કેટલીક મહિલાને ICUમાં દાખલ થતી જોઇએ છીએ. ચેપને કારણે બાળકની ડીલીવરી પણ વહેલી થઇ જાય છે. ગયા અઠવાડિયે અમે એક દુ:ખદ મૃત્યુ જોયું હતું. જોઇન્ટ કમિટિ ઓન વેક્સીન એન્જ ઇમ્યુનાઇઝેશન્સ આ વર્ષે ઓગસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓ માટે રસી સલામત છે. લોકોએ તેમના ડોકટરો, મિડવાઇફ્સ અને નર્સો પર વિશ્વાસ કરવાનો છે નહિં કે ઇન્ટરનેટ પર 30 મિનિટ વિતાવીને રસી સલામત નથી તેમ કહેતા લોકોનો.