બ્રિટનના પ્રથમ મહિલા શીખ સંસદ સભ્ય પ્રીત કૌર ગિલે જણાવ્યું છે કે તેણીને “તમારી પીઠ પર ધ્યાન આપો” એવી ઇમેઇલ દ્વારા “સીધી ધમકી” મળ્યા બાદ તેમની સુરક્ષા વધારવાની ફરજ પડી છે.
બર્મિંગહામ, એજબેસ્ટનના વિપક્ષી લેબર સાંસદ અને શેડો સેક્રેટરી ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ તથા ફ્રન્ટબેન્ચના રાજકારણી પ્રીત કૌર ગિલે શનિવારે ‘જીબી ન્યૂઝ’ને જણાવ્યું હતું કે ‘’હું પરિવારની સલામતી માટે ચિંતિત છું. આ ચિંતાનો વિષય છે. કારણ કે હું હંમેશા મતવિસ્તારમાં મારી પુત્રીઓ સાથે રહુ છું. તાજેતરની આ સીધી ધમકીએ મને ચિંતામાં મૂકી છે. મને વિશ્વાસ નથી કે આ વ્યક્તિએ ધમકી આપવા માટે તેના કામના સ્થળના ઇમેઇલનો ઉપયોગ કર્યો હતો. મારી વિરુદ્ધ વોટ્સએપ ગ્રૂપ દ્વારા પણ મોટા પ્રમાણમાં નફરત ફેલાવવામાં આવે છે. મને માત્ર મારી સુરક્ષાની જ નહીં પરંતુ તેમની સુરક્ષાની ચિંતા છે. હું મારી સર્જરીને પ્રતિબંધિત કરવા માંગતી નથી. હું ખુલ્લામાં રહેવા અને મારા સમુદાયમાં રહેવા માટે સક્ષમ બનવા માંગુ છું. કેટલીકવાર મને લાગે છે કે જ્યારે તમે કંઈક સારું કરવાનો પ્રયાસ કરતા હો ત્યારે એક મહિલા તરીકે ખૂબ જ નફરત અને ટીકાનો સામનો કરવો પડે છે, તે ખરેખર ખૂબ જ મુશ્કેલ છે.”
તેમણે આ ધમકી વિશે વેસ્ટ મિડલેન્ડ પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા માટે તેઓ બોડીગાર્ડનો ઉપયોગ કરે છે.
ડિસેમ્બર 2021માં ગિલે અમૃતસરના સુવર્ણ મંદિરમાં કરાયેલ હિંસાના કૃત્ય પાછળ “હિંદુ આતંકવાદી” શબ્દ વાપરતા ટ્વિટને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા જો કે તે પાછળથી કાઢી નાખી હતી.