નોર્થ લંડનના વેમ્બલીમાં આવેલી મિકેલા સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પર શાળામાં પ્રાર્થના કરવા પર પ્રતિબંધ ફરમાવા બદલ કાનૂની પડકારનો સામનો કરનાર “બ્રિટનની સૌથી કડક હેડમિસ્ટ્રેસ” તરીકે ઓળખાતા ઈન્ડો-ગયાનીઝ હેરિટેજના કેથરિન બિરબલસિંહનો હાઇ કોર્ટમાં વિજય થયો છે.

શાળામાં પ્રાર્થના કરવા પરના પ્રતિબંધને એક મુસ્લિમ વિદ્યાર્થીએ ભેદભાવપૂર્ણ ગણાવી તેને કાયદેસર રીતે પડકારવાની માંગણી કર્યા પછી કોર્ટના ચુકાદાએ પ્રાર્થના વિધિ પરના શાળાના પ્રિન્સીપાલના પ્રતિબંધને સમર્થન આપ્યું હતું. શાળાના અડધા વિદ્યાર્થીઓ મુસ્લિમ છે, તેમાં શીખ, હિન્દુ અને ખ્રિસ્તી વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે.

કેથરિન બિરબલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે ‘’છોકરાઓ અને છોકરીઓ માટેની “સાંપ્રદાયિક” માધ્યમિક શાળા મિકેલા સ્કૂલ – સમાવેશક (ઇન્ક્લુસિવ) વાતાવરણને પ્રોત્સાહન આપવાના તેના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ધાર્મિક પ્રાર્થનાને મંજૂરી આપતી નથી. ગવર્નિંગ બોડી વાકેફ છે તેમ, શાળા વિવિધ કારણોસર, વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ માટે પ્રાર્થના માટેનો રૂમ આપી શકતી નથી. પ્રાર્થના ખંડ વિદ્યાર્થીઓમાં વિભાજનને ઉત્તેજન આપશે તથા તે શાળાના સિદ્ધાંતોથી વિપરીત છે. વળી શાળા પાસે  ઉપલબ્ધ જગ્યા તથા વિદ્યાર્થીઓની દેખરેખ માટે ઉપલબ્ધ સ્ટાફનો અભાવ છે. આ ઉપરાંત જો વિદ્યાર્થીઓ પ્રાર્થના ખંડમાં જ રહેશે તો વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ શાળાકીય પ્રવૃત્તિઓને ચૂકી જશે, જેમાં લંચ બ્રેકનો પણ સમાવેશ થાય છે.” બિરબલસિંહે કોર્ટને પ્રાર્થના પરના પ્રતિબંધ માટે કારણો આપતાં કહ્યું હતું કે “અસ્વીકાર્ય અલગતા અથવા વિભાજન, શાળાના સમગ્ર સિદ્ધાંતની વિરુદ્ધ હતું અને તે પ્રાર્થનાને મંજૂરી આપવાના પરિણામે થઈ રહ્યું હતું. ભયજનક વાતાવરણ વિકસી રહ્યું હતું. અમારી કડક શિસ્તની નીતિઓ, જેના પર શાળાની નૈતિકતા અને મહાન સફળતા આધારિત છે, તેને અવમૂલ્યન થવાનું જોખમ હતું.”

ગત જાન્યુઆરી માસમાં સુનાવણી બાદ જસ્ટિસ થોમસ લિન્ડેને 80 પાનાના ચુકાદામાં શાળાની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે “મારા ચુકાદામાં, શરૂઆતનો મુદ્દો એ છે કે શાળાએ આ દૃષ્ટિકોણ લેવા માટે યોગ્ય હતું કે મુદ્દો એ હતો કે ધાર્મિક પ્રાર્થનાને શાળાની બિલ્ડીંગમાં મંજૂરી આપવી અને તેની સુવિધા આપવી કે કેમ? કે પછી પ્રાર્થના રૂમ નહિં આપવાની તેની લાંબા સમયથી ચાલતી નીતિને ઉલટાવી દેવી. વિદ્યાર્થીની જાણતી હતી કે શાળા બિનસાંપ્રદાયિક છે, અને તેણીનો પોતાનો પુરાવો દર્શાવે છે કે તેણીની માતા તે મિકેલા સ્કૂલમાં ભણવા જાય તેમ ઈચ્છતી હતી કારણ કે તે શાળા કડક હોવાનું જાણીતું હતુ.’’

ચુકાદા પછીના એક નિવેદનમાં, બિરબલસિંહે કહ્યું કે “આ તમામ શાળાઓ માટેનો વિજય છે અને મજબૂત છતાં આદરણીય બિનસાંપ્રદાયિકતા સિદ્ધાંતોનો પણ વિજય છે કે જેના પર તેણીએ 2014માં સ્થાપેલી શાળા ચલાવવામાં આવે છે. શાળા જે વિદ્યાર્થીઓને સેવા આપે છે તેના માટે જે યોગ્ય છે તે કરવા માટે મુક્ત હોવી જોઈએ. તેથી કોર્ટનો નિર્ણય તમામ શાળાઓની જીત છે. શાળાઓને એક બાળક અને તેની માતા દ્વારા તેનો અભિગમ બદલવાની ફરજ પાડવી જોઈએ નહીં.”

હેડ ટીચરને સરકારનું સમર્થન પ્રાપ્ત થયું હતું અને એજ્યુકેશન સેક્રેટરી ગિલિયન કીગને સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું કે “હું હંમેશા સ્પષ્ટ રહ્યો છું કે હેડ ટીચર્સ તેમની શાળામાં નિર્ણયો લેવા માટે શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. મિકેલા સ્કૂલ એક ઉત્કૃષ્ટ શાળા છે, અને હું આશા રાખું છું કે આ ચુકાદો તમામ શાળાના નેતાઓને તેમના વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય લેવાનો વિશ્વાસ આપશે.”

લંડનની હાઈકોર્ટે શોધી કાઢ્યું હતું કે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સ (ઈસીએચઆર)ની કલમ 9 અને સમાનતા અધિનિયમ 2010ની કલમ 19 હેઠળ પ્રાર્થના વિધિ પર પ્રતિબંધ કાયદેસર છે.

LEAVE A REPLY