ભારત સરકારે કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદની કેન્દ્રીય તપાસ એજન્સી CBIના ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરી છે. કેન્દ્ર સરકારે રવિવારે તેમની નિમણૂકનો આદેશ જારી કર્યો હતો. 1986 બેચના IPS અધિકારી સૂદ બે વર્ષ સુધી આ પદ સંભાળશે. સીબીઆઈના વર્તમાન ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ 25 મે 2023એ સમાપ્ત થશે. સૂદ તે જ દિવસે જોડાઈ શકે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા 14 માર્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. શિવકુમારે કહ્યું હતું કે અમારા ડીજીપી આ પદ માટે યોગ્ય નથી. તેઓ ત્રણ વર્ષથી ડીજીપી છે, પરંતુ ભાજપના કાર્યકરની જેમ કામ કરે છે. તેમની સામે એફઆઈઆર થવી જોઈએ. શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે સૂદે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ 25 કેસ નોંધ્યા હતા, પરંતુ ભાજપના નેતાઓ વિરુદ્ધ એક પણ કેસ નથી.