યુવા અભિનેતા પ્રતીક ગાંધી અત્યારે બોલીવૂમાં પોતાની સ્થાન જમાવવામાં સફળ થઇ રહ્યા છે. તેમની વિદ્યા બાલન સાથેની ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે. આ ઉપરાંત પ્રતીક ગાંધી આવનારા દિવસોમાં હંસલ મહેતાની સીરિઝ ‘ગાંધી’માં પણ જોવા મળશે. આ સીરિઝમાં પ્રતીક મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેમાં પ્રતીક તેમની પત્ની ભામિની ઓઝા સાથે પ્રથમવાર જોવા મળશે.
પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા રીયલ લાઇફમાં પણ પતિ-પત્ની જ છે. ભામિની આ ફિલ્મમાં કસ્તુરબા ગાંધીની ભૂમિકા ભજવશે. પ્રતીક, ગાંધીજીની ભૂમિકા ભજવવા બદલ ખૂબ જ ઉત્સાહિત લાગે છે. તેની પત્ની પણ તેમાં સાથે હોવાથી તેમનો ઉત્સાહ બમણો થયો છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પત્ની ભામિનીની તસવીર પોસ્ટ કરતાં પ્રતીકે લખ્યું છે કે, ‘એક કલાકાર તરીકે હું ભામિનીને થિયેટરના દિવસોથી ઓળખું છું. હું તેની સફરનો સાક્ષી રહ્યો છું. હવે અમે સાથે કામ કરવા જઇ રહ્યા છીએ તેની મને ખુશી છે. હું આટલા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેને તેની કેલિબરનું પાત્ર મળે. હવે ભામિનીને કસ્તુરબાનું પાત્ર ભજવવા મળ્યું છે, તેની મને ઘણી ખુશી છે.