ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કરી દીધો છે અને કોંગ્રેસમાં નેતાગીરી સહિત ધરખમ ફેરફાર કરવાનું સૂચન કર્યું છે. 2024ની લોકસભા ચૂંટણી માટે સોનિયા ગાંધીએ બનાવેલા એમ્પાવર્ડ એક્શન ગ્રુપમાં જોડાવાનો પ્રશાંત કિશોરે ઈનકાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે PKને એમ્પાવર્ડ ગ્રુપમાં ચોક્કસ જવાબદારી સાથે પદ આપવા માટે ઓફર કરવામાં આવી હતી જેનો તેમણે અસ્વીકાર કર્યો છે.
સુરજેવાલાના ટ્વીટ અનુસાર, પ્રેઝન્ટેશન અને ચર્ચા બાદ કોંગ્રેસના પ્રમુકે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી હતી, જેમાં જોડાવા માટે પ્રશાંત કિશોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને ચોક્કસ જવાબદારી પણ સોંપવાની દરખાસ્ત હતી.જોકે, તેમણે તેના માટે ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હજુ સોમવારે જ સોનિયા ગાંધીએ આ ગ્રુપની રચનાની જાહેરાત કરી હતી. ઉદયપુરમાં કોંગ્રેસની 13 મેથી 15 મે સુધી ચિંતન શિબિર મળી રહી છે, જેના માટે પણ સોનિયા ગાંધીએ કેટલીક કમિટિ બનાવી શિબિર માટે તૈયારી શરુ કરી હતી. કિશોરે પોતે પણ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસમાં જોડાવાની ઓફર નકારી છે. તેમણે લખ્યું છે કે કોંગ્રેસને મારા કરતા વધારે મોટાપાયે સુધારા કરીને પોતાની નેતાગીરી અને પોતાના માળખાંને સુધારવાની જરુર છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રશાંત કિશોરના સહારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોટાપાયે ઝંપલાવવાની તૈયારી કરી રહી છે તેવા અહેવાલો થોડા સમય પહેલા જ આવ્યા હતા. એટલું જ નહીં, ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે પીકે દ્વારા જ સર્વે કરાવાઈ રહ્યા હોવાના દાવા પણ કરાયા હતા. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં વિધિવત રીતે સામેલ થાય ત્યારબાદ પક્ષમાં મોટાપાયે ઉલટફેર થઈ શકે છે તેવી પણ ચર્ચાઓ હતી.