ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટી ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આગામી દાયકાઓ સુધી ભારતીય રાજકારણમાં એક મોટી તાકાત બની રહેશે. કદાચ લોકો મોદીને સત્તા પરથી દૂર કરી તો પણ ભાજપનું પ્રભુત્વ સમાપ્ત થવાનું નથી.
ગોવા યાત્રા દરમિયાન પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પહેલાં 40 વર્ષ સુધી ભારતીય રાજકારણના કેન્દ્રમાં હતી, તેવી જ રીતે ભાજપ, ભલે હારે કે જીતે, પરંતુ તે રાજનીતિના કેન્દ્રમાં રહેશે. બીજેપી ક્યાંય જવાની નથી. એક વાર રાષ્ટ્રીય સ્તર પર 30 ટકા મત મળે તો રાજકારણ પરની અસર ઝડપથી જતી નથી.
ગોવામાં મ્યૂઝિયમમાં વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે એવા ભ્રમમાં ક્યારેય ન પડવું કે લોકો નારાજ થઈ રહ્યા છે અને તેઓ મોદીને સત્તા પરથી દૂર ફેંકી દેશે. કદાચ લોકો મોદીને સત્તા પરથી દૂર કરે તો પણ ભાજપ ક્યાય જવાનો નથી. તમારે આગામી ઘણા દાયકા સુધી ભાજપ સાથે લડાઈ કરવી પડશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે પ્રશાંત કિશોરે જણાવ્યું હતું, તેઓ કદાચ એવા ભ્રમમાં છે કે, મોદી સત્તામાં છે ત્યાં સુધી જ બીજેપી મજબૂત છે. રાહુલ ગાંધીની આ જ સમસ્યા છે. રાહુલ ગાંધી એવું માને છે કે, એ હવે સમયનો સવાલ છે કે લોકો નરેન્દ્ર મોદીને સત્તાની બહાર કરી દેશે.
મોદીને હરાવવા માટેની ફોર્મ્યુલા રજૂ કરતાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી મોદીની તાકાતને નહીં સમજો ત્યાં સુધી તેમને હરાવી નહીં શકો. મને એ સમસ્યા દેખાય છે કે મોટા ભાગના લોકો મોદીની તાકાત સમજવા માટે તેમના સમયનો ઉપયોગ નથી કરતા. એ સમજવુ પડશે કે, તેમની લોકપ્રિયતાનું કારણ શું છે. જો તમે આ વાતને સમજી લેશો તો તેમને હરાવવાનો રસ્તો મળી શકશે.
કોંગ્રેસને નરેન્દ્ર મોદી અને ભાજપનું ભવિષ્ય કેવું લાગે છે તે મુદ્દે કિશોરે જણાવ્યું હતું કે તમે કોઈ પણ કોંગ્રેસ નેતા અથવા કોઈ પણ પ્રાદેશિક નેતા સાથે જઈને વાત કરશો તો તેઓ માત્ર એટલું જ કહેશે કે, બસ સમયની વાત છે, લોકો કંટાળી રહ્યા છે. સત્તા વિરોધી લહેર આવશે અને લોકો તેમને બહાર કરી દેશે. મને નથી લાગતું કે આવું કઈ થાય.
દેશમાં વિભાજિત મતદારો તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું હતું કે જો તમે મતદારોને જુઓ તો 33 ટકા અને 66 ટકા વચ્ચે લડાઈ છે. માત્ર 33 ટકા લોકો જ ભાજપને મત આપી રહ્યા છે અથવા ભાજપનું સમર્થન કરી રહ્યા છે. સમસ્યા એ છે કે, 66 ટકા મતદાતા 10,12 અથવા 15 રાજકીય પક્ષમાં વહેંચાયેલા છે. આવું કોંગ્રેસ નબળી હોવાના કારણે થયું છે.