ભારતના સ્ટાર બેડમિંટન ખેલાડી એચ. એસ. પ્રણોયે મલેશિયાના કુઆલાલમ્પુરમાં રમાઈ ગયેલી મલેશિયા માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશ માટે એક નવો રેકોર્ડ કર્યો છે. આ સ્પર્ધામાં પુરૂષોની સિંગલ્સમાં તે સૌપ્રથમ ભારતીય ચેમ્પિયન બન્યો છે. પ્રણવે ચીનના વાંગ હોંગયાંગને ત્રણ ગેમમાં 21-19, 13-21 અને 21-18થી હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું. ફાઈનલનો જંગ 94 મિનિટ ચાલ્યો હતો. આ અગાઉ મલેશિયા માસ્ટર્સનો તાજ સાઈના નેહવાલ એકવાર અને પી. વી. સિંધુ બે વાર ધારણ કરી ચૂકી છે.
આ સિઝનમાં પ્રણોયનો આ પહેલો મેડલ છે. પ્રણોયને શનિવારે સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાના ક્રિસ્ટિયન અદિનાતા સામે વોકઓવર મળ્યો હતો. મેચ દરમિયાન અદિનાતાને ઘૂંટણમાં ઈજા થતાં તેને મેચ અધવચ્ચેથી છોડી દેવી પડી હતી.
જો કે, પી. વી. સિંધુ સેમિફાઈનલમાં હારી ગઈ હતી. ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરિસાકાએ તેને સીધા સેટ્સમાં 14-21, 17-21થી હરાવી હતી.
તે સિવાય લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને માલવિકા બંસોડ અનુક્રમે પ્રિ ક્વાર્ટર, ક્વાર્ટર ફાઈનલ અને રાઉન્ડ ઓફ 32માં હારી ગયા હતા. આ ચેમ્પિયનશિપમાં વિશ્વભરના કુલ 84 શટલરોએ ભાગ લીધો હતો.