ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી. પ્રણવ મુખરજીએ ટ્વિટ કરીને કહ્યું કે ‘આ વખતે હોસ્પિટલની મુલાકાત એક અલગ પ્રક્રિયા માટે, મારો કોવિડ-19 રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.
જે લોકો ગત અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવ્યાં હતાં તેમને હું વિનંતી કરું છું કે મહેરબાની કરીને તેઓ પોતાને સેલ્ફ આઈસોલેટ કરે અને કોવિડ-19 ટેસ્ટ કરાવે.’અત્રે જણાવવાનું કે પ્રણવ મુખરજીની ઉંમર 84 વર્ષ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા પ્રણવ મુખરજી 2012થી 2017 દરમિયાન દેશના રાષ્ટ્રપતિ પદે હતાં.
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં. કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેની ઝપેટમાં વીવીઆઈપી પણ આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અર્જૂન મેઘવાલ અને અન્ય કેટલાક મંત્રી પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત અનેક રાજ્યોના મંત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે.