પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતવર્ય બ્રહ્મવિહારી સ્વામીએ શતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, આજનો દિવસ વિશિષ્ટ છે. નરેન્દ્રભાઈ મોદી આજે પ્રમુખસ્વામી મહારાજના પુત્ર સ્વરૂપે અહીં પધાર્યા છે. નરેન્દ્રભાઈનો પ્રમુખસ્વામી મહારાજ સાથેનો સંબંધ 40 વર્ષ જૂનો છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પિતાની જેમ તેમના પુત્ર તુલ્ય નરેન્દ્રભાઈની રાહ જોતા હતા. કોઈપણ વ્યક્તિના ઘડતરમાં પ્રેમ, ભક્તિ અને સંબંધ જ મહત્ત્વના હોય છે અને નરેન્દ્રભાઈ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.
પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ઉમેર્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ નરેન્દ્રભાઈ માટે પિતાતુલ્ય હતા. સેવાના કામ દરમિયાન એકપણ વ્યક્તિ રહી ન જાય તે પ્રમુખસ્વામીનો ગુણ વડાપ્રધાને તેમના જીવનમાં ઉતાર્યો છે અને એટલે જ તેઓ દેશની સેવામાં દિવસ-રાત જોડાયેલા રહે છે. બ્રહ્મવિહારી સ્વામીએ એક જૂના પ્રસંગને પણ ટાંકતા કહ્યું હતું કે, એક દિવસ પ્રમુખસ્વામી પાસે નરેન્દ્રભાઈ પહોંચ્યા હતા અને તેમણે તેમની દિલના ભાવને વ્યક્ત કરતાં કહ્યું કે, મારે સત્તાના આ કામમાંથી સંન્યાસ લેવો છે પણ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીએ તેમનો જુસ્સો વધારતા કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. બસ, આ વાતનો દૃઢ સંકલ્પ રાખીને દેશને આગળ ધપાવવાનું કામ તેઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ પ્રમુખસ્વામી મહારાજ જેવી ચીવટની ટેવ જીવનમાં ઉતારી છે તે વાતનું તાદૃર્શ ઉદાહરણ આપતાં પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે, મોદીજીએ પ્રમુખ સ્વામીનગરની ભવ્યતાને વર્લ્ડ ક્લાસ ગણાવી છે. તેને બેનમૂન કહ્યું છે, 80,000 કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી છે. પરંતુ પ્રમુખસ્વામી મહારાજની જેમ જ તેઓ નગરના વિવિધ વિભાગોની મુલાકાત લેવાની સાથે જ ટોઇલેટની સાફ-સફાઈ જોવા પહોંચ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું અનુકરણ પરમ પૂજ્ય મહંત સ્વામી પણ કરે છે. સ્વસ્થ અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે પીએમ મોદી પણ તેટલા જ સતર્ક છે અને દેશને નવી ઊંચાઈ પર લઈ જવાના સંકલ્પ સાથે વૈશ્વિક નેતા બની ચૂક્યા છે.